ત્રાસવાદીઓએ કાશ્મીરના ઉધમપુરમાં CRPFના કાફલા પર હુમલો કરતાં એક ઇન્સ્પેક્ટર શહીદ થયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર સીઆરપીએફ અને પોલીસની ટીમ સોમવારે બપોરે પેટ્રોલિંગ કરી રહી ત્યારે ત્યારે ત્રાસવાદીઓએ તક જોઇને હુમલો કર્યો હતો. જ્યાં હુમલો કરવામાં આવ્યો તે સ્થળ ઉધમપુરના ડુડુ વિસ્તારની પોલીસ ચોકીથી લગભગ આઠ કિલોમીટર દૂર છે. આ હુમલો બપોરે 3.30 કલાકે થયો છે, જેમાં સીઆરપીએફના ઈન્સ્પેક્ટર શહીદ થયા હતા. આ હુમલા પછી સેનાએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. આ હુમલાના જવાબમાં સીઆરપીએફ અને સ્થાનિક પોલીસ સહિત સુરક્ષા દળોએ ત્રાસવાદીઓને પકડવા માટે ઉધમપુર અને આસપાસના વિસ્તારોમાં ઘેરાબંધી કરી છે. આ વિસ્તારમાં અહીં પોલીસ અને સેનાનો મોટો કાફલો તહેનાત કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, જુલાઈમાં ડોડા જિલ્લામાં એક એન્કાઉન્ટરમાં એક અધિકારી અને એક પોલીસ અધિકારી સહિત સેનાના ચાર જવાનો શહીદ થયા હતા. આ હુમલાની જવાબદારી પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા અલગ જૂથ કાશ્મીર ટાઈગર્સે લીધી હતી.
અગાઉ ત્રાસવાદીઓએ 8 જુલાઈએ કઠુઆના પહાડી વિસ્તારમાં સેનાના કાફલા પર હુમલો કર્યો હતો, જેમાં એક જુનિયર કમિશન્ડ ઓફિસર સહિત સેનાના પાંચ જવાનો શહીદ થયા હતા, જ્યારે અન્ય કેટલાક ઘાયલ થયા હતા. 6 જુલાઈએ કુલગામ જિલ્લામાં બે અલગ-અલગ એન્કાઉન્ટરમાં સેનાએ છ ત્રાસવાદીઓને ઠાર માર્યા હતા, જેમાં બે જવાનો પણ શહીદ થયા હતા.

 

 

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments