રેટિંગ એજન્સી ક્રિસિલે ભારતના 2020-21ના આર્થિક વિકાસ દરમાં ઘટાડો કર્યો છે. એજન્સીએ ભારતનો વિકાસ દર 1.8 ટકા રહેશે તેમ જણાવ્યું છે. એજન્સીએ કહ્યું કે, કોરોના વાયરસના કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉનથી અર્થતંત્રને કુલ મળીને 10 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થવાનો અંદાજ છે.
વ્યક્તિ દિઠ આ નુકસાન 7,000 રૂપિયા સુધી આવે છે. એજન્સીએ કોવિડ-19 સંકટ વચ્ચે સરકારની અત્યાર સુધીની પ્રતિક્રિયાની આલોચના કરી છે અને કહ્યું કે, સરકારી સમર્થનમાં જોરદાર વૃદ્ધિ થવી જોઈએ. એજન્સીએ આ પહેલા ચાલુ વર્ષે જીડીપી 6 ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો.
જેને માર્ચમાં ઘટાડીને 3.5 ટકા અને હવે 1.8 ટકા કરી દીધો છે. અન્ય એક એજન્સી ઈન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચ (એન્ડ આરએ) દ્વારા પણ ભારતના 2020-21ના આર્થિક વિકાસના અંદાજને ઘટાડીને 1.9 ટકા કરી દેવામાં આવ્યો છે.