એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)ના રીપોર્ટ મુજબ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટેના 266 ઉમેદવારોમાંથી 36 ઉમેદવારો સામે ફોજદારી કેસ છે. કેટલાંક ઉમેદવારો સામે હત્યાના પ્રયાસ અને લૂંટના આરોપો પણ છે.
એડીઆરના ગુજરાત સંયોજક પંકતિ જોગે સોમવારે પત્રકારોને જણાવ્યું હતું કે ઉમેદવારોએ ચૂંટણીના સોગંદનામામાં આપેલી વિગતો અનુસાર 266 ઉમેદવારોમાંથી, 36 અથવા 14 ટકા સામે ફોજદારી આરોપો છે. તેમાંથી 21 અથવા 8 ટકા સામે ગંભીર ફોજદારી કેસ છે. ગંભીર ફોજદારી કેસોમાં એવા કેસનો સમાવેશ થાય છે કે જેમાં મહત્તમ 5 વર્ષ કે તેથી વધુની સજા થઈ શકે છે અને બિનજામીનપાત્ર છે. આવા ગુનામાં હત્યા, બળાત્કાર, અપહરણ, લાંચ, હુમલો, સરકારી તિજોરીને નુકસાન, મહિલાઓ સામેના ગુનાઓ, દ્વેષપૂર્ણ ભાષણ વગેરેનો સમાવેશ થાય છે.
ભાજપના 25 ઉમેદવારોમાંથી ચાર અથવા 15 ટકા સામે ફોજદારી કેસ છે, જેમાં બે ગંભીર આરોપોનો સામનો કરી રહ્યા છે. કોંગ્રેસના 23 ઉમેદવારોમાંથી છ અથવા 26 ટકા સામે ફોજદારી કેસો છે, જેમાં ત્રણ ગંભીર આરોપોનો સામનો કરી રહ્યાં છે.
વલસાડ અને ભરૂચ બેઠક પરથી ચૂંટણી લડી રહેલા આદિવાસી નેતા અનંત પટેલ અને દિલીપ વસાવા સામે હત્યાના પ્રયાસના આરોપમાં કેસ ચાલી રહ્યા છે. અનંત પટેલ કોંગ્રેસના ઉમેદવાર છે, જ્યારે વસાવા ભારત આદિવાસી પાર્ટીના ઉમેદવાર છે.
ભરૂચ બેઠક પરથી ચૂંટણી લડી રહેલા આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવા અને અપક્ષ ઉમેદવાર ઈસ્માઈલ પટેલ બંને વિરુદ્ધ સૌથી વધુ 13 ફોજદારી કેસ છે.ચૈતર વસાવા સામેના કેસમાં લૂંટ, જાતીય સતામણી, આત્મહત્યા માટે ઉશ્કેરણી અને દ્વેષપૂર્ણ ભાષણનો સમાવેશ થાય છે.