ગુજરાતમાં ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાએ જામનગર નોર્થની બેઠક માટે 14 નવેમ્બરે ભાજપ તરફથી ઉમેદવારી પત્ર ભર્યું હતું. આ પ્રસંગે તેમની સાથે પતિ રવિન્દ્ર જાડેજા, ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિજય રુપાણી, સાંસદ પૂનમ માડમ અને હકુભા જાડેજા પણ હાજર રહ્યા હતા.
રિવાબા જાડેજાએ મીડિયા સાથેની વાતચીતમાં વિજયનો વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું કે, હું બહેન, દીકરીઓ, યુવાનો, ગરીબો સહિત છેવાડાના માનવી સુધી સારી રીતે પહોંચી શકું અને તેમની સેવા કરી શકું એ માટે રાજકીય ક્ષેત્રમાં આવી છું. હું ભાજપના એક જ મંત્ર વિકાસના મુદ્દા સાથે લોકો પાસે જઈશ. મહત્વનું છે કે, ચૂંટણી પ્રચારમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પણ જોવા મળશે. તેઓ પોતાની પત્ની રિવાબા માટે પ્રચાર કરશે.
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ કહ્યું હતું કે તેમની પત્ની રીવાબા જાડેજા લોકો માટે કામ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગને અનુસરવા માંગે છે.રવિન્દ્ર જાડેજાએ સોમવારે એક કાર્યક્રમમાં હાજરી આપી હતી જ્યાં તેમણે કહ્યું હતું કે રીવાબા વિધાનસભાની ચૂંટણીમાં તેમની પ્રથમ વખતની ઉમેદવારીમાંથી ઘણું શીખશે.
ક્રિકેટરે જણાવ્યું હતું કે “ગુજરાતની ચૂંટણી આવી રહી છે અને તે એક T20 મેચ જેવી છે. મારી પત્ની ભાજપની ટિકિટ પર રાજનીતિમાં ભવ્ય પદાર્પણ કરી રહી છે. હું જામનગરના લોકોને અને તમામ ક્રિકેટ પ્રેમીઓને તેનના સમર્થનમાં મોટી સંખ્યામાં આવવાની અપીલ કરું છું.