ક્રિકેટ વર્લ્ડ કપથી યજમાન દેશ ભારતના અર્થતંત્રમાં રૂ.22,000 કરોડ (2.6 બિલિયન ડોલર)નો વેગ મળવાનો અંદાજ છે. એમ બેન્ક ઓફ બરોડાના રીપોર્ટમાં જણાવાયું હતું. ગુરુવારે ચાલુ થયેલી અને મધ્ય નવેમ્બર સુધી ચાલનારી આ ટુર્નામેન્ટથી દેશ વિદેશના ચાહકો આવશે. ક્રિકેટ વિશ્વની આ સૌથી મોટી ટુર્નામેન્ટથી ટ્રાવેલ, હોટેલ, એન્ટરટેઇમેન્ટ, ટુરિઝમ સહિતના ક્ષેત્રોને લાભ થશે.
અર્થશાસ્ત્રીઓ જાહ્નવી પ્રભાકર અને અદિતિ ગુપ્તાએ બુધવારે એક નોંધમાં લખ્યું હતું કે, 10 શહેરોમાં મેચો રમાશે. તેનાથી ટ્રાવેલ અને હોસ્પિટાલિટી ક્ષેત્રને લાભ થશે. 2011 પછી ભારતમાં પ્રથમ વખત આયોજિત કરવામાં આવી રહેલી આ ઇવેન્ટની સાથે ત્રણ મહિનાની તહેવારોની સિઝન પણ ચાલુ થઈ છે. તેનાથી રિટેલ સેક્ટરને લાભ થશે.ઘણા લોકો “વેપારી વસ્તુઓની ભાવનાત્મક ખરીદી” કરશે.
અર્થશાસ્ત્રીઓ અપેક્ષા રાખે છે કે ટુર્નામેન્ટ માટે કુલ ભારતીય દર્શકોની સંખ્યા 2019માં જોવામાં આવેલા 552 મિલિયન કરતાં ઘણી મોટી હશે. તેનાથી ટીવી અધિકારો અને સ્પોન્સરશિપ આવકમાં ₹10,500 કરોડથી ₹12,000 કરોડની આવક થઈ શકે છે.
જો કે, વર્લ્ડ કપ ફુગાવાને વેગ આપી શકે છે. તેનાથી એરલાઇન ટિકિટ, હોટેલના ભાડા વધ્યાં છે. 10 યજમાન શહેરોમાં સર્વિસ ચાર્જિસમાં નોંધપાત્ર વધારો થશે. ઓક્ટોબર અને નવેમ્બરની વચ્ચે ફુગાવામાં એકંદરે 0.15થી 0.25 ટકાનો વધારો થઈ શકે છે. અર્થશાસ્ત્રીઓએ ઉમેર્યું હતું કે આ ટુર્નામેન્ટ ટિકિટના વેચાણ, હોટેલ્સ, રેસ્ટોરન્ટ્સ અને ખાદ્યપદાર્થોની ડિલિવરી પરના માલસામાન અને સેવાઓના કર વસૂલાતમાં વધારો કરીને સરકારના ખજાનાને પણ ભરી દેશે.