ઓસ્ટ્રેલિયાએ ભારતમાં ભારત સામે ટેસ્ટ મેચમાં એક ઈનિંગમાં સૌથી ઓછા સ્કોરનો નામોશીભર્યો નવો રેકોર્ડ કર્યો હતો અને નાગપુરમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે પ્રવાસી ટીમને એક ઈનિંગ અને 132 રને હરાવી દીધું હતું. ઓસ્ટ્રેલિયા માટે વધારે શરમજનક બાબત તો એ રહી હતી કે, ટેસ્ટ મેચ ત્રીજા જ દિવસે પુરી થઈ ગઈ હતી અને ઓસ્ટ્રેલિયા બીજી ઈનિંગમાં તો 33મી ઓવરમાં જ ફક્ત 91 રન કરી ઓલઆઉટ થઈ ગયું હતું. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ ઓલ રાઉન્ડ દેખાવ સાથે પ્લેયર ઓફ ધી મેચ એવોર્ડ મેળવ્યો હતો. જાડેજા અને અશ્વિનના વેધક સ્પિન આક્રમણ સામે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન વામણા સાબિત થયા હતા, તો ભારત તરફથી ઓપનર સુકાની રોહિત શર્માએ સદી તથા એ પછી ટોચના ક્રમના અન્ય બેટ્સમેનની નિષ્ફળતા છતાં જાડેજા, અશ્વિન અને અક્ષર પટેલે બેટિંગમાં પણ પોતાની ક્ષમતા વધુ એકવાર સાબિત કરી હતી.
ઓસ્ટ્રેલિયાના સુકાની પેટ કમિન્સે ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પણ તે યોગ્ય સાબિત થયો નહોતો. ભારતના ફાસ્ટ બોલર્સે તેના બન્ને ઓપનર્સને ફક્ત એક-એક રનમાં પેવેલિયન ભેગા કર્યા હતા. લબુશેને 49 અને સ્ટીવન સ્મિથે 37 રન કરી ટીમને કઈંક સદ્ધર સ્થિતિમાં મુકી હતી, પણ એ પછી ફરી શરૂ થયેલો ધબડકો પ્રવાસીઓ અટકાવી શક્યા નહોતા અને 64મી ઓવરમાં ટીમ 177 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જાડેજાએ 47 રનમાં પાંચ અને અશ્વિને 42 રનમાં ત્રણ વિકેટ લીધી હતી.
જવાબમાં ભારતના સુકાની રોહિત શર્માએ શાનદાર સદી (120) કરી હતી અને એ પછી અક્ષર પટેલે 84, જાડેજાએ 70 તથા મોહમદ શમીએ પણ 37 રન કરી ટીમને 400 રનના મજબૂત સ્કોર સુધી પહોંચાડી દીધી હતી. 223 રનની પહેલી ઈનિંગની મહત્ત્વની લીડ પછી ભારતીય બોલર્સે બીજી ઈનિંગમાં તો ઓસ્ટ્રેલિયાની બેટિંગ ક્ષમતાની પ્રતિષ્ઠા સાવ ધૂળધાણી કરી નાખી હતી. તેના ફક્ત ચાર બેટ્સમેન બે આંકડાના સ્કોર સુધી પહોંચી શક્યા હતા, જેમાં સ્ટીવન સ્મિથના અણનમ 25 ટીમનો શ્રેષ્ઠ સ્કોર હતો. ઓપનર્સ પહેલીની જેમ જ બીજી ઈનિંગમાં પણ નિષ્ફળ રહ્યા હતા.
બીજી ઈનિંગમાં ભારત તરફથી અશ્વિને પાંચ, જાડેજા અને શમીએ 2-2 તથા અક્ષર પટેલે એક વિકેટ લીધી હતી.