રવિવારે (20 ફેબ્રુઆરી) કોલકાતામાં રમાઈ ગયેલી ત્રણ ટી-20 ઈન્ટરનેશનલ્સની સીરીઝની છેલ્લી મેચમાં પણ ભારતે વેસ્ટ ઈન્ડિઝને 17 રને હરાવી અગાઉની વન-ડે સીરીઝની માફક આ સીરીઝમાં પણ ત્રણે મેચમાં વિજય સાથે વેસ્ટ ઈન્ડિઝનો 3-0થી વ્હાઈટ વોશ કર્યો હતો.
આ મેચમાં ભારતે પહેલા બેટિંગ કરતાં પાંચ વિકેટે 184 રનનો સ્કોર ખડકી દીધો હતો. એમાં મધ્ય ક્રમના બેટ્સમેન સૂર્યકુમાર યાદવના ૩૧ બોલમાં ૬૫ અને વેંકટેશ ઐયરના ૧૯ બોલમાં અણનમ ૩૫ મહત્ત્વના રહ્યા હતા. એ બન્નેએ ૩૭ બોલમાં ૯૧ ઝુડી નાખ્યા હતા. એ પછી ભારતીય બોલર્સે બાકીનું કામ પુરૂં કરતાં વેસ્ટ ઈન્ડિઝ ૯ વિકેટે ૧૬૭ સુધી જ પહોંચી શક્યું હતુ. હર્ષલ પટેલે ૨૨ રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી.
રોહિત શર્માના સુકાનીપદે ભારતે સતત બીજી ટી-૨૦ શ્રેણીમાં ૩-૦થી વિજય હાંસલ કર્યો હતો. એ પહેલા, ભારતે ન્યૂઝીલેન્ડને પણ ૩-૦થી હરાવ્યું હતું. ભારતનો ટી-૨૦માં આ સળંગ નવમો વિજય હતો.વિજય માટે ૧૮૫ના ટાર્ગેટ સાથે મેદાનમાં ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝ તરફથી એક છેડે નિયમિત અંતરે વિકેટો પડતી રહી હતી, એકમાત્ર નિકોલસ પૂરણે લડાયક ૬૧ રન કર્યા હતા.
આ મેચમાં ભારતે નવોદિત બોલર આવેશ ખાનને ટી-૨૦ કેપ આપી હતી. વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને ભારતને બેટીંગ લેવા આમંત્રણ આપ્યું હતું. ગાયકવાડ ફક્ત ચાર રન કરી હોલ્ડરનો શિકાર બનતા ભારતની શરૂઆત નબળી રહી હતી.એ પછી ઈશાન કિશન (૩૪) અને શ્રેયસ ઐયરે ૫૩ રનની ભાગીદારી કરી હતી. હેડન વોલ્શે શ્રેયસને અને ચેઝે કિશનને આઉટ કરતાં ભારત ૬૬ રનમાં ત્રણ વિકેટ ગુમાવી ફરી મુશ્કેલીમાં મુકાયું હતું. સુકાની રોહિત શર્મા પણ ૭ રને પેવેલિયન ભેગો થતાં ભારતનો સ્કોર ૧૩.૫ ઓવરમાં ૯૩ રનમાં ચાર વિકેટનો થઈ ગયો હતો.
ત્યારબાદ સૂર્યકુમાર યાદવ અને વેંકટેશ ઐયરે ધમાકેદાર બેટિંગ કરી હતી. યાદવે ૩૧ બોલમાં ૭ છગ્ગા અને ૧ ચોગ્ગા સાથે ૬૫ રન તથા વેંકટેશ ઐયરે ૧૯ બોલમાં ૪ ચોગ્ગા અને બે છગ્ગા સાથે અણનમ ૩૫ રન કર્યા હતા. છેલ્લી બે ઓવરમાં તો આ બન્નેએ ૨૧-૨૧ રન – કુલ ૪૨ રન ઝુડી નાખ્યા હતા.
બીજી ટી-૨૦માં વેસ્ટ ઈન્ડિઝનો આઠ રને પરાજય
એ અગાઉ, શુક્રવારે બીજી ટી-20માં મુકાબલો વધારે રોમાંચક રહ્યો હતો અને વેસ્ટ ઈન્ડિઝ ફક્ત 8 રને હારી ગયું હતું. કોહલી અને પંતની અડધી સદી સાથે ભારતે પાંચ વિકેટે 186 રન કર્યા હતા. તેના જવાબમાં વેસ્ટ ઈન્ડિઝ તરફથી પણ પોવેલે અણનમ 68 અને નિકોલસ પૂરણે 62 રન કરી ભારત ઉપર પ્રેશરની સ્થિતિ ઉભી કરી દીધી હતી. જો કે, છેલ્લી ઓવર્સમાં ભારતીય બોલર્સે સ્વસ્થતા જાળવી ટીમના વિજયમાં મહત્ત્વનું પ્રદાન કર્યું હતું.
ભારતે ટોસ જીતી પહેલા બેટીંગ પસંદ કરી હતી. રોહિત અને કોહલીની જોડીએ ૪૯ રનની ભાગીદારી સાથે ટીમને સ્થિરતા આપી હતી. રોહિત જો કે, લાંબુ ટકી શક્યો નહોતો. પણ વિરાટ કોહલીએ ક્લાસિક બેટિંગ દર્શાવી ૭ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે ૪૧ બોલમાં ૫૨ રન કર્યા હતા. એ પછી પંતે બાજી સંભાળી હતી અને ૨૮ બોલમાં ૭ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે અણનમ ૫૨ રન કર્યા હતા. તેણે વેંકટેશ ઐયર (૧૮ બોલમાં ૩૩) સાથે ૩૫ બોલમાં ૭૬ રન ખડકી દીધા હતા.
પ્રથમ ટી-૨૦માં ભારતનો છ વિકેટે આસાન વિજય
બુધવારે રમાયેલી પહેલી મેચમાં ભારતે ટોસ જીતી વેસ્ટ ઈન્ડિઝને પહેલા બેટિંગમાં ઉતાર્યું હતું. નવોદિત સ્પિનર રવિ બિશ્નોઈએ ચાર ઓવર્સમાં ફક્ત 17 રન તથા હર્ષલ પટેલે 37 રન આપી મહત્ત્વની બે-બે વિકેટ ખેરવી હતી, તો ભુવનેશ્વર કુમાર, દીપક ચાહર અને યુઝવેન્દ્ર ચહલે એક-એક વિકેટ ખેરવી વેસ્ટ ઈન્ડિઝને સાત વિકેટે 157 રન સુધી મર્યાદિત રાખ્યું હતું. વેસ્ટ ઈન્ડિઝ તરફથી નિકોલસ પૂરણે 61 રનનો સૌથી મોટો ફાળો આપ્યો હતો. જવાબમાં ભારતે 19માં ઓવરમાં જ ચાર વિકેટે 162 રન કરી સીરીઝનો વિજયી આરંભ કર્યો હતો. સુકાની રોહિત શર્માએ 40 અને તેના ઓપનર સાથી ઈશાન કિશને 35 રન સાથે ટીમને મજબૂત શરૂઆત આપી હતી. એ પછી સૂર્યકુમાર યાદવે 34 (18 બોલ, પાંચ ચોગ્ગા અને એક છગ્ગો) તથા વેંકટેશ ઐયરે 24 (13 બોલ, બે ચોગ્ગા, એક છગ્ગો) રન સાથે પાંચમી વિકેટની અણનમ ભાગીદારીમાં અણનમ 48 રન કરી વિજય નોંધાવ્યો હતો.