ભારતીય શેરબજારમાં અત્યારે તેજીનો માહોલ છે. આ તેજીને કારણે આઈપીઓ એટલે કે પ્રાઈમરી માર્કેટમાં પણ જબરદસ્ત તેજી જોવા મળી છે. મોટી સંખ્યા કંપનીઓએ લિસ્ટિંગ કરાવ્યું છે અને હજુ અનેક કંપનીઓ આવી રહી છે. બોલીવૂડ અને ક્રિકેટ જગતના ટોચના સ્ટાર્સ પણ આ તેજીમાંથી મોટી કમાણી કરી હતી. ઘણાં સ્ટાર્સે તો ઈશ્યૂ આવતા પહેલાં જ આવી કંપનીઓમાં રોકાણ કર્યું હતું, જે પૈકી ઘણાંને તગડી કમાણી થઈ ગઈ છે.

આમિર ખાન અને રણબીર કપૂરે એસએમઈ કંપની ડ્રોનઆચાર્ય એરિયલ ઈનોવેશન્સમાં રોકાણ કર્યું હતું. આમિરે 46,600 શેર (0.26 ટકા) શેર સાથે ~25 લાખનું રોકાણ આઈપીઓ પહેલાં કર્યું હતું. રણબીર કપૂરે 37,200 શેર (0.21 ટકા) સાથે ~20 લાખનું રોકાણ કર્યું હતું. બન્નેએ શેરદીઠ ~53.59ના ભાવે પ્રી-આઈપીઓ ખરીદી કરી હતી. ડ્રોનઆચાર્યના શેરનું 23 ડિસેમ્બરે ~102ના ભાવે લિસ્ટિંગ થયું હતું. 7 માર્ચે તેનો ભાવ ~155.85 હતો. આ રીતે લિસ્ટિંગથી અત્યાર સુધીમાં 45.52 ટકા વળતર મળ્યું છે. આમિરખાનનું રોકાણ હાલમાં ~72.62 લાખ થયું છે અને રણબીરનું ~57.97 લાખ થયું છે. આમ, બન્નેને ત્રણ ગણો નફો થઈ ગયો છે.

ભૂતપૂર્વ ક્રિકેટર બ્લાસ્ટર સચિન તેંડૂલકરે આઝાદ એન્જિનિયરિંગના 4,38,120 શેર પ્રી-આઈપીઓમાં ખરીદ્યા હતા. સરેરાશ શેરદીઠ ~114.10ના ભાવે તેણે આ શેર માર્ચ-2023માં ખરીદ્યા હતા અને ~4.99 કરોડનું રોકાણ કર્યું હતું. 28 ડિસેમ્બરે તેનું લિસ્ટિંગ ~720ના ભાવે થયું હતું. 7 માર્ચે તેનો ભાવ ~1355.3 હતો. સચિનનું રોકાણ અત્યાર સુધીમાં કુલ ~59.39 કરોડ થઈ ગયું છે, જે 12 ગણો નફો દર્શાવે છે.

આલિયા ભટ્ટે ફાલ્ગુની નાયરની નાયકામાં જુલાઈ 2020માં ~4.95 કરોડનું રોકાણ કર્યું હતું, જે આજે ~54 કરોડ થઈ ગયું છે. આમ, તેને 11 ગણો નફો મળી ગયો છે. કેટરીના કૈફે નાયકા સાથે સંયુક્ત સાહસ કર્યું હતું, જેમાં ~2.04 કરોડનું રોકાણ કર્યું હતું. તે વધીને ~22 કરોડ થઈ ગયું છે. આમ, તેને 11 ગણો નફો થઈ ગયો. જોકે પછી નાયકાના શેરમાં ખાસ્સું ધોવાણ થતાં તેને સંભવતઃ નુકસાન થયું હોઈ શકે. લિસ્ટિંગ ભાવથી તેમાં 60 ટકા ઘટાડો થયો છે.

LEAVE A REPLY