Crew shortage: Air India will reduce the number of nonstop flights to America for 2-3 months

ઉનાળાની આવનારી સીઝનમાં જ્યારે પ્રવાસીઓ વધશે ત્યારે જ ભારત-અમેરિકા વચ્ચેની ફ્લાઇટની સંખ્યામાં ઘટાડો થશે. એર ઇન્ડિયાના સીઇઓ કેમ્પબેલ વિલ્સને સોમવારે જણાવ્યું હતું કે, એર ઈન્ડિયામાં ક્રુની અછતને કારણે આવનારા બેથી ત્રણ મહિના માટે અમેરિકામાં તેની અઠવાડિયામાં 47 નોનસ્ટોપમાંથી છ ફ્લાઇટને હંગામી ધોરણે સ્થગિત કરાશે. વિલ્સને જણાવ્યું હતું કે, “અમે સાન ફ્રાન્સિસ્કો અને નેવાર્કની દરેક નોનસ્ટોપ ફ્લાઇટની ફ્રીક્વન્સીમાં ત્રણ-ત્રણનો ઘટાડો કરીશું. અત્યારે ટ્રેનિંગમાં છે તે 100 પાયલટ્સ અને 1,400 કેબિન ક્રુ આવનારા 2-3 મહિનામાં ફ્લાઇટ્સમાં કામ શરૂ કરશે. અમારા બોઇંગ 777માં ક્રુની હંગામી અછત જોવા મળી છે, જેનું નિરાકરણ પણ આવી જશે.” આ ઉપરાંત આવી અછતના કારણે એર ઇન્ડિયા બેંગકોક અને દુબઇની કેટલી ફ્લાઇટ્સમાં સાંકડા વિમાનોનો ઉપયોગ કરશે.

એર ઇન્ડિયા અમેરિકામાં નોનસ્ટોપ ફ્લાઇટ્સનું સૌથી મોટું સંચાલક છે. ન્યૂયોર્ક-દિલ્હી રૂટ પર યુનાઈટેડ અને અમેરિકન એરલાઇનની માત્ર એક જ ફ્લાઈટ છે. ડેલ્ટાએ માર્ચ 2020 પછી ભારતની ફ્લાઈટ્સ ફરીથી શરૂ કરી નથી. યુનાઈટેડ દ્વારા મુંબઈ-નેવાર્ક, દિલ્હી-સાન ફ્રાન્સિસ્કો અને શિકાગોની ફ્લાઈટ્સ સ્થગિત કરવામાં આવી છે. અમેરિકાની વિવિધ એરલાઇન્સ દ્વારા બેંગલુરુ અને સાન ફ્રાન્સિસ્કો તેમ જ સીયેટલ વચ્ચેની નોનસ્ટોપ ફ્લાઇટ શરૂ કરવાની યોજના અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવી છે.

એર ઇન્ડિયા ફ્લાઇટ્સ પણ ઘટાડી રહી છે ત્યારે ભારત-અમેરિકા વચ્ચેની સીધી કનેક્ટિવિટીને ખરા સમયે વધુ ફટકો પડ્યો છે, જેના કારણે મુસાફરીના ભાડામાં વધારો થશે, જે અગાઉથી ખૂબ જ વધુ છે.

વિલ્સને વધુમાં જણાવ્યું હતું કે, “અમે અન્ય ફ્લાઇટ્સમાં પ્રવાસીઓને સમાવી શકીએ તેવા રૂટ પર ફ્લાઇટ્સ ઘટાડી રહ્યા છીએ. ખાનગીકરણ અગાઉ એર ઇન્ડિયા એક એવી એરલાઇન હતી જે નબળી પડી રહી હતી અને હવે તે ફરીથી ઝડપથી આગળ વધી રહી છે. લાંબા સમયથી મોટી સંખ્યામાં વિમાનો ઉડતા નહોતા તે હવે ફરીથી ઉડી રહ્યા છે. આ કારણે ક્રૂની હંગામી અછત સર્જાઇ છે, અત્યારે જરૂરી કેબિન ક્રુ અને કેટલાક પાયલટ્સની અછતને કારણે B777ને સૌથી વધુ અસર થઇ છે. આ સમસ્યાનું ટૂંક સમયમાં નિરાકરણ આવશે. અમે દર મહિને 500 કેબિન ક્રૂની ભરતી કરી રહ્યાં છીએ. એક અંદાજ મુજબ 1,700 કેપ્ટન ઓનલાઇન આવશે, જેમાંથી 140 વિદેશી છે.” અત્યારે એર ઇન્ડિયાની સાન ફ્રાન્સિસ્કોની 17 અઠવાડિક નોનસ્ટોપ ફ્લાઇટ, ન્યૂયોર્ક જેએફકેની 14, શિકાગોની સાત, નેવાર્કની છ અને વોશિંગ્ટનની ત્રણ ફ્લાઇટ છે.

છેલ્લા કેટલાક અઠવાડિયામાં એર ઇન્ડિયાની ઘણી નોનસ્ટોપ ફ્લાઇટ્સ કલાકો સુધી વિલંબિત થઇ હતી. ઉદાહરણ તરીકે ગત અઠવાડિયે શિકાગોની ફ્લાઇટ એક દિવસથી વધુ અને ન્યૂયોર્કમાં ફ્લાઇટ 10 કલાકથી વધુ મોડી પડી હતી.

LEAVE A REPLY