બોલિવૂડના કેટલાંક કલાકારો અને ક્રિકેટરોના પાન કાર્ડની વિગતોને આધારે ક્રેડિટ કાર્ડ બનાવી લાખ્ખો રૂપિયાના ફ્રોડનો કરવાના ગુનામાં દિલ્હી પોલીસે પાંચ વ્યકતિની ધરપકડ કરી હતી. સાયબર ગુનેગારોની એક ગેંગે કથિત રીતે બોલિવૂડના ઘણા કલાકારો અને ક્રિકેટરોના ઓનલાઇન ધોરણે ઉપલબ્ધ GST આઇડેન્ટિફિકેશન નંબર્સમાંથી PANની વિગતો મેળવી હતી અને પુણે સ્થિત ફિનટેક કંપની ‘વન કાર્ડ’ પાસેથી તેમના નામે ક્રેડિટ કાર્ડ્સ મેળવ્યા હતા તથા રૂ.21 લાખની ઓનલાઇન ખરીદી કરી હતી.
ડેપ્યુટી પોલીસ કમિશનર (ડીસીપી) રોહિત મીણાએ જણાવ્યું હતું કે અભિષેક બચ્ચન, શિલ્પા શેટ્ટી, માધુરી દીક્ષિત, ઈમરાન હાશ્મી અને મહેન્દ્ર સિંહ ધોની સહિતની કેટલીક હસ્તીઓની નામ અને વિગતોનો સાયબર ગુનેગારોએ ઉપયોગ કર્યો હતો.
સાયબર ગુનેગારોએ રૂ. 21.32 લાખની કિંમતની પ્રોડક્ટ્સ ખરીદવા માટે આમાંથી કેટલાક કાર્ડનો ઉપયોગ કરી દીધો હતો.આ પછી કંપનીએ તરત જ દિલ્હી પોલીસને એલર્ટ કરી હતી. પોલીસે કાર્યવાહી કરીને તેમાંથી પાંચની ધરપકડ કરી હતી.
આ પાંચ આરોપીની ઓળખ પુનીત, મોહમ્મદ આસિફ, સુનિલ કુમાર, પંકજ મિશ્રા અને વિશ્વ ભાસ્કર શર્મા તરીકે થઈ છે. આરોપીઓની પૂછપરછમાં તેમની અનોખી મોડસ ઓપરેન્ડીનો ખુલાસો થયો હતો. તેઓ ગૂગલમાંથી આ સેલિબ્રિટીઓની GST વિગતો મેળવતા હતા. તેઓ જાણતા હતા કે GSTINના પ્રથમ બે અંકો રાજ્યનો કોડ હોય છે અને પછીના 10 અંકો PAN નંબર હોય છે.
સર્ચ એન્જિન ગૂગલ પર સેલિબ્રિટીની જન્મ તારીખ ઉપલબ્ધ હોવાથી PAN વિગતો મળી જાય છે. આરોપીએ તેમના પોતાના ફોટો મૂકીને ફરી પાન કાર્ડ બનાવતા હતા, જેથી વીડિયો વેરિફિકેશનમાં પાન-આધાર કાર્ડમાં ઉપલબ્ધ ફોટો સાથે ફોટો મેચ થઈ જાય. ઉદાહરણ તરીકે અભિષેક બચ્ચનનું પાન કાર્ડ અને જન્મતારીખ હોય પરંતુ ફોટો આરોપીનો હોય. આરોપીઓ આવી રીતે આધાર કાર્ડ વિગતોમાં પણ ફ્રોડ કરતાં કરતાં હતા અને ક્રેડિટ કાર્ડ મેળવી લેતા હતા.