જુલાઇમાં વેસ્ટ સસેક્સના ક્રોલીમાં ટશમોર રાઉન્ડઅબાઉટ પાસે રોડ પર મારામારી કરનાર ક્રોલીના મેયર અને લેબર કાઉન્સિલર શહઝાદ મલિકે તેમના કારનામાના વિડીયો ફુટેજ ઓનલાઇન વાઇરલ થયા બાદ રાજીનામું આપી દીધું છે.
પોતાનો કાર્યકાળ વહેલો પૂરો કરવાની ફરજ પડ્યા બાદ ટેક્સી ડ્રાઈવર તરીકે કામ કરતા મલિકે ઘેરા દુખ સાથે પોતાનું રાજીનામું આપવા સાથે પોતાની સંડોવણીની પુષ્ટિ કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘’પોલીસ તપાસને કારણે તેમને જબરદસ્તીથી મૌન રાખવું પડ્યું હતું. મને તે બનાવ અંગે ઘણું દુ:ખ છે, પણ હું હિંસક માણસ નથી અને મેં સ્વબચાવ સિવાય બીજું કશું કર્યું નથી. મારી પ્રતિષ્ઠાને નુકસાન કરવા ઉપરાંત મેયરની ઓફિસ અને કાઉન્સિલના સારા કામને અન્યાયી રીતે કલંકિત કરવાનું જોખમ લીધું હતું.”
ક્રોલી બરો કાઉન્સિલના કન્ઝર્વેટિવ લીડર ડંકન ક્રોએ જણાવ્યું હતું કે “મેયરના ભયાનક વર્તને અમારા શહેરને શરમજનક બનાવ્યું હતું. હું તેમના રાજીનામાનું સ્વાગત કરૂ છું પરંતુ સાત અઠવાડિયા પછી તેમનો નિર્ણય ખૂબ મોડો છે.”
19 જુલાઈના રોજ લગભગ બપોરે 2-30 કલાકે થયેલી તકરાર બાદ સસેક્સ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે બંને પુરૂષો તેમના વાહનોમાં ઘટનાસ્થળેથી ચાલ્યા ગયા તે પહેલા ઈજા પામેલા એક વ્યક્તિએ થોડા સમય માટે તેનો હોશ ગુમાવ્યો હતો.
મલિકના નેતૃત્વમાં અવિશ્વાસનો મત ગુરૂવારે અસાધારણ કાઉન્સિલ બેઠક દરમિયાન થવાનો હતો, જે રદ કરવામાં આવ્યો છે. ક્રોલી બરો કાઉન્સિલના પ્રવક્તાએ કહ્યું હતું કે “કાઉન્સિલર શહઝાદ અબ્બાસ મલિક કાઉન્સિલર તરીકે ચાલુ રહેશે. ડેપ્યુટી મેયર, કાઉન્સિલર મોર્ગન ફ્લેક, મ્યુનિસિપલ વર્ષના અંત સુધી મેયરની મુખ્ય ફરજોને આવરી લેશે.”
સસેક્સ પોલીસે શું પ્રોસીક્યુશન હોવું જોઈએ તે અંગે નિર્ણય લેવા ક્રાઉન પ્રોસીક્યુશન સર્વિસને પોલીસ રિપોર્ટ મોકલ્યો હતો. પોલીસે કહ્યું હતું કે આ મામલો બંધ થયો નથી અને એક માણસ પોલીસ જામીન પર છે.