ઉતરાખંડમાં સુપ્રસિદ્ધ ચારધામ યાત્રા પહેલા જોશીમઠ-બદ્રીનાથ હાઇવે પર 10થી વધુ સ્થળોએ મોટી તિરાડો જોવા મળી છે. આ હાઇવે ગઢવાલમાં આવેલા સૌથી મોટા તીર્થસ્થળો પૈકીના એક બદ્રીનાથને જોડે છે. સ્થાનિક લોકોના કહેવા મુજબ તિરાડો જોશીમઠથી મારવાડીની વચ્ચે 10 કિ.મી. સુધી ફેલાયેલી છે. ચમોલીના જિલ્લા કલેક્ટરે કહ્યું કે તપાસ માટે ટીમ મોકલવામાં આવી છે.
ઉતરાખંડ સરકારે શનિવારે ચારધામ યાત્રાની જાહેરાત કરી છે. કેદારનાથ મંદિરના કપાટ 25 એપ્રિલે અને બદ્રીનાથ ધામના કપાટ 27 એપ્રિલે ખોલવામાં આવશે. એવામાં હાઇવે પરની તિરાડો યાત્રીઓ માટે મોટો ખતરો બની શકે છે. જોશીમઠ બચાવો સંઘર્ષ સમિતિના જણાવ્યાં અનુસાર આ ખતરો ખૂબ મોટો છે. બદ્રીનાથ પહોંચવાનો આ એક માત્ર રસ્તો છે, એવામાં ભૂસ્ખલન અને તિરાડોને લીધે યાત્રીઓની જીંદગી ખતરામાં મુકાઈ શકે છે.