દિવાળી ઉત્સવો અગાઉ અમદાવાદમાં ફટાકડાંનુ વેચાણ કરવા મંજુરી માંગતી ૧૫૦ અરજીઓ ફાયર વિભાગ તરફથી મંજુર કરવામાં આવી છે.વધુ સો જેટલી અરજીઓ અંગે ચકાસણી ચાલુ છે. જાહેર રસ્તા ઉપર કે મંડપો ઉભા કરીને ફટાકડાના કરવામાં આવતા વેચાણ અંગે મંજુરી આપવામાં નહીં આવે, એમ સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.
મદાવાદમાં કોરોના સંક્રમણની સ્થિતિ સુધરતા આ વર્ષે ફટાકડાં વેચવા માટે ફાયર વિભાગ પાસે મંજુરી માંગતી ૨૫૦ જેટલી સિઝનલ અને કાયમી વેચાણ કરનારા વેપારીઓ દ્વારા અરજી કરવામાં આવી છે.
દિવાળીના તહેવારો શરૂ થવાની તૈયારીમાં છે ત્યારે રાજ્યમાં ફટાકડા ફોડવા પર નિયંત્રણ આવી શકે છે. સરકાર વિદેશી ફટાકડાના પ્રતિબંધને આ વર્ષે પણ યથાવત રાખે તેવું જાણવા મળ્યું છે. ગયા વર્ષે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા વિદેશી ફટાકડાના વેચાણ પર પાબંધી લાદી દેવામાં આવી હતી.
ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનની સરકારે ફટાકડાથી થતાં ધુમાડાના પ્રદૂષણના કારણે 31મી જાન્યુઆરી 2022 સુધી ફટાકડાના વેચાણ તેમજ ફોડવા પર પ્રતિબંધ મૂક્યો છે. એવી જ રીતે દિલ્હીમાં પણ 1લી જાન્યુઆરી 2022 સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે દેશના વિવિધ રાજ્યોને પ્રદૂષણની માત્રા ઘટાડવાનો આદેશ કર્યો છે તેથી સમયમર્યાદા નિશ્ચિત કરી ગુજરાતમાં નિયંત્રણ મૂકવામાં આવી શકે છે. જો કે દિવાળીના સમયમાં જાહેરમાં તેમજ પબ્લિક પ્લેસમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ આવી શકે છે.