સ્વર્ગ જેવું ઘર બનાવી આપવાનું વચન આપીને નર્કમાં ધકેલનાર કાઉબોય બિલ્ડર વાહીદ બટ્ટે ગ્રાહકો સાથે £150,000થી વધુની રકમની છેતરપિંડી કરતા બર્મિંગહામ ક્રાઉન કોર્ટે તેને છ વર્ષની જેલની સજા ફટકારી આઠ વર્ષ માટે કંપની ડિરેક્ટર તરીકે ગેરલાયક ઠેરવ્યો હતો.
વોકિંગહામ રોડ, રીડિંગના 49-વર્ષના વાહીદ બટ્ટે લગભગ એક ડઝન લોકો અને બિઝનેસીસ સાથે £152,000ના મુલ્યની છેતરપીંડી કરી હતી. વાહીદે બડાઈ મારી હતી કે તેનો નવો બિઝનેસ WB ઈન્ફ્રાસ્ટ્રક્ચર ‘વર્લ્ડ ક્લાસ સર્વિસ’ પૂરી પાડશે પરંતુ તેના બદલે તેણે બર્મિંગહામમાં ઘરોનો ‘વ્યવસ્થિત રીતે નાશ’ કર્યો હતો. તેના પૂર્વ દોષીત ગુનેગાર અને ડ્રગના વ્યસની કામદારોના જૂથે શેમ્બોલિક અને જોખમી કામો કર્યા હતા.
બટ્ટ MyBuilder વેબસાઈટ પર પ્રોજેક્ટની વિનંતી કરતા લોકોને નિશાન બનાવતો અને તેમના કામ રાખીને નાણાં મેળવીને અધૂરા છોડી દેતો હતો.
એક મહિલાએ તેને ચીમની દૂર કરવા અને ડોર્મર કન્વર્ઝન માટે £25,000થી વધુ રકમ આપી હતી. પણ બટ્ટે કામ પૂરુ નહિં કરતા હવે તેને દેવુ કરીને ઘર રહેવા લાયક બનાવવું પડ્યું છે. અન્ય એક જણે લોફ્ટ કન્વર્ઝન માટે લગભગ £60,000 ખર્ચ કર્યા હતા. પરંતુ બટ્ટ તેને ઘૂંટણિયે લાવ્યો હતો. બટ્ટે એક વિધવા પાસેથી રસોડાના વિસ્તરણ અને અન્ય કામો માટે લગભગ £50,000 લીધા હતા. સર્વેયરોને પ્રોજેક્ટમાં ગંભીર સમસ્યાઓ જણાતા તેને તોડીને નવુ બાંધવાની ભલામણ કરાઇ હતી. બટ્ટે એક શિક્ષકના ઘર માટે £38,000 લઇ રિનોવેશન કરવાને બદલે ગરબડ કરી નવ મહિના સુધી વસવાટ માટે અયોગ્ય બનાવી દીધું હતું. તેણે એક વૃદ્ધ દંપતીને રસોડાના એક્સ્ટેંશન માટે £35,000 લઇને છેતર્યા હતા.
બટ્ટને અગાઉના 100 આરોપો સાથે છેતરપિંડી કરનાર તરીકે જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં મોટાભાગની છેતરપિંડી, ચોરી અને અપ્રમાણિકતાના ગુનાઓ હતા. તેને 2016માં કારના વેચાણના રેકેટ માટે ચાર વર્ષની જેલમાં કરાઇ હતી. બોગસ બિલ્ડીંગ બિઝનેસ શરૂ કર્યો ત્યારે તે જેલમાંથી લાઇસન્સ પર છૂટેલો હતો.
તેણે બિઝનેસની આવક પરિવારના સભ્યોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરી હતી જેથી તેઓ તે રકમ અંગત ખર્ચ, લગ્નો અને રજાઓ પર ખર્ચી શકે.
કોર્ટમાં જણાવાયું હતું કે બટ્ટે ભોગ બનેલા લોકોને વળતર ચૂકવવા £152,000 અલગ રાખ્યા હતા, જો કે આશંકા છે કે તેમનું કુલ નુકસાન £200,000થી વધુ હોઈ શકે છે.