ન્યૂઝીલેન્ડ સરકારે ગાયોની વાછૂટ અને ઓડકારથી થતા ગ્રીન હાઉસ ઉત્સર્જન બદલ ખેડૂતો પાસેથી ટેક્સ વસૂલ કરવાની યોજના બનાવી છે. પર્યાવરણ માટેની વિશ્વની સંભવત આવી પ્રથમ હિલચાલ છે. સરકાર પર્યાવરણ સુરક્ષા માટેની આ નવી દરખાસ્તનો હેતુ દેશના કૃષિ ઉદ્યોગના ગ્રીનહાઉસ ઉત્સર્જનની સમસ્યાનો ઉકેલ લાવવાનો છે.
CNNના અહેવાલ અનુસાર વડા પ્રધાન જેસિન્ડા આર્ડને મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સમાં પુષ્ટિ કરી હતી કે તેમની સરકાર આબોહવા પરિવર્તનનો સામનો કરવા માટે ખેડૂતોને તેમના પશુધનના ઉત્સર્જન માટે ચૂકવણી કરવા માટેની દરખાસ્ત સાથે આગળ વધશે.આર્ડર્ને જણાવ્યું હતું કે “ન્યુઝીલેન્ડના ઓછા ઉત્સર્જનના ભાવિ તરફનું આ એક મહત્વપૂર્ણ પગલું છે અને 2025થી કૃષિ ઉત્સર્જનની કિંમત નક્કી કરવાના અમારા વચનને પૂરું પાડે છે.”
ન્યુઝીલેન્ડની સૌથી મોટી પર્યાવરણીય સમસ્યાઓમાંની એક ગ્રીનહાઉસ વાયુઓ છે, જે તેની 6.2 મિલિયન ગાયો કુદરતી ક્રિયા મારફત છોડે છે. સરકારની યોજના વિરુદ્ધ સેંકડો ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા હતાં. ગ્રાઉન્ડ્સવેલ ન્યૂઝીલેન્ડ જૂથની મદદથી સમગ્ર દેશના પ્રાંતો અને શહેરોમાં ૫૦થી વધુ સ્થળોએ વિરોધ પ્રદર્શનોનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાયોના ઓડકારથી મીથેન ગેસ નીકળે છે જેનાથી પ્રદૂષણ ફેલાય છે.
દેશમાં તમામ ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનનો ૫૦ ટકા હિસ્સો ખેતીમાંથી આવે છે, જેમાં પ્રાણીઓના ઓડકારથી નીકળતા મીથેનનો મોટો ફાળો હોય છે. વડાપ્રધાન જેસિડા અર્ડર્ને ૨૦૫૦ સુધી દેશને કાર્બન ઉત્સર્જન મુકત બનાવવાની યોજના બનાવી છે. આ યોજનામાં ૨૦૩૦સુધી પ્રાણીઓમાંથી થતા મીથેન ઉત્સર્જનને ૧૦ ટકા અને ૨૦૫૦ સુધી ૪૭ ટકા ઓછું કરવું સામેલ છે.