છ મિલિયન કામદારોને ફર્લો કરાયા છે અને વધુ બે મિલિયન લોકો તેમની નોકરી ગુમાવે તેવી ધારણા છે ત્યારે બેંક ઑફ ઇંગ્લેન્ડનુ ટૂંકા ગાળાનુ પ્રોજેક્શન અંધકારમય જણાઇ રહ્યુ છે. બ્રિટન 300 વર્ષની સૌથી ખરાબ મંદી સહન કરી રહ્યું છે અને અર્થતંત્રમાં 14 ટકાનો ઘટાડો થયો છે અને આ વર્ષે 2 મિલિયન લોકો તેમની નોકરી ગુમાવે તેવી સંભાવના છે.
બેન્ક ઑફ ઇંગ્લેન્ડના સૌથી વિનાશક અનુમાન મુજબ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) ગયા ડિસેમ્બરની સરખામણીએ 30 ટકા ઓછી હશે. બેરોજગારી 4 ટકાથી વધીને 26 વર્ષની ટોચે 9 ટકા થવાની અપેક્ષા છે. ચાલુ વર્ષે વિશ્વની જીડીપીમાં 12 ટકાનો ઘટાડો થવાની સંભાવના છે. ડેટા સૂચવે છે કે યુકેની મંદી 1706 પછીની સૌથી ખરાબ અને 1709ની ગ્રેટ ફ્રોસ્ટ મંદી કરતા વધુ આકરી હશે. અર્થતંત્ર 13.4 ટકા ઘટશે.
પરંતુ આશાના કિરણ સમાન આગામી વર્ષે 15 ટકાનો વિકાસ થશે અને 2022ની મધ્ય સુધીમાં બેરોજગારી ઘટીને 4 ટકા થવાની ધારણા છે. અર્થવ્યવસ્થામાં પણ ઝડપથી સુધારો થશે તેવું માનવામાં આવે છે. બેંકના ગવર્નર, એન્ડ્ર્યુ બેઇલીએ કહ્યું હતુ કે “અમને લાગે છે કે અર્થતંત્રમાં ઘણો ઝડપથી સુધરો આવશે. જે સામાન્ય મંદીમાં આવતા સુધારા કરતા ડબલ હશે.”
ભૂતપૂર્વ ચાન્સેલર સાજિદ જાવિદે કહ્યું હતું કે ‘’સરકારે રોગચાળાના પ્રભાવોમાંથી બહાર આવવા માટે અર્થતંત્રને “શક્ય તેટલું ઝડપથી” ખોલવું જોઈએ.