- નદીમ બાદશાહ દ્વારા
અગ્રણી જી.પી.એ કોરોનાવાયરસ રસીના આગામી રોલઆઉટ દરમિયાન તેમની ઉપર આવનારા “વર્કલોડ પ્રેશર”માં સહાય માટે મદદની હાકલ કરી છે. NHS ઇંગ્લેન્ડ દ્વારા જી.પી. સર્જરીઓને આ સપ્તાહથી (તા. 1 ડિસેમ્બર) કોવિડ રસીકરણ કાર્યક્રમ માટેની તૈયારી શરૂ કરવાનું કહેવામાં આવ્યું છે. અભિયાન શરૂ થવાના ઓછામાં ઓછા 10 દિવસ પહેલા નોટિસ આપવામાં આવશે તેમ જણાવાયું છે.
જો ફાઈઝર / બાયોએનટેકની રસીના વિકલ્પને હેલ્થ રેગ્યુલેટર્સ દ્વારા મંજૂરી આપવામાં આવે તો ફેમીલી ડોકટરો કોવિડ-19 રસીનું ડિસેમ્બરમાં અનાવરણ થવાની ધારણા રાખે છે. એવી અપેક્ષા છે કે વિકસાવવામાં આવેલી રસીના બે ડોઝની જરૂર પડશે, જે લગભગ ત્રણથી ચાર અઠવાડિયાના અંતરે કોન્ફરન્સ હૉલ્સ અને સ્કૂલ સહિતના મોટા સ્થળોએ આપવામાં આવી શકે છે.
તા. 1 ડિસેમ્બરથી 50થી વધુ વયના લોકો ફ્લૂની મફત રસી મેળવવા માટે ફેમિલી મેડિક્સ પાસે જશે જેને પગલે બીજા દર્દીઓની એપોઇન્ટમેન્ટને અસર થઇ શકે છે.
યોર્કશાયરના શેફિલ્ડના જી.પી. ડો. કૃષ્ણા કસરાનેનીએ ગરવી ગુજરાતને કહ્યું હતું કે “કોવિડ-19 રસીકરણ અભિયાન તેના પાયે અભૂતપૂર્વ હશે, પરંતુ જીપી – જેઓ સમૂહ રસીકરણના નિષ્ણાત છે – તેઓ સમુદાયોને તેમજ તેમના દર્દીઓ સાથે પહેલેથી જ વિશ્વસનીય સંબંધો ધરાવતા હોવાથી
તેમના રસીકરણમાં અગ્રણી ભૂમિકા નિભાવવા માંગશે. આ કોઇ આસાન ઝૂંબશ નહિં હોય અને જી.પી.ને રાષ્ટ્રીય સ્તરે સહાયની જરૂર પડશે, સાથે સ્થાનિક સ્તરે વિવિધ સાથીદારોના સહકારની જરૂર પડશે તેમજ સૌથી અગત્યનું એ છે કે દર્દીઓની સમજની જરૂર પડશે.”
બ્રિટિશ મેડિકલ એસોસિએશનની જી.પી. કમિટીની એક્ઝિક્યુટિવ ટીમના સભ્ય ડૉ. કૃષ્ણાએ ઉમેર્યું હતું કે “જ્યારે ચોક્કસ રસીઓ અને તારીખોની વિગતોની પુષ્ટિ થવાની બાકી છે ત્યારે એકવાર સલામત અને માન્ય રસી ઉપલબ્ધ થઈ જશે પછી જેઓ લાયક છે તેમને સુરક્ષિત રાખવા માટે આમંત્રણ આપવામાં આવશે અને અમે તેમને બધાને રસી લેવા અરજ કરીશું.’’
આંકડા દર્શાવે છે કે જીપી સર્જરીઓમાં સપ્ટેમ્બર 2019ની તુલનામાં સપ્ટેમ્બરમાં 1.5 મિલિયન વધુ એપોઇન્ટમેન્ટ આપવામાં આવી હતી.
ડરહામના જી.પી. અને બ્રિટિશ એસોસિએશન ઑફ ફિઝિશિયન ઑફ ઈન્ડિયન ઓરિજિન (BAPIO)ના અધ્યક્ષ ડૉ. કમલ સિદ્ધુએ ગરવી ગુજરાતને કહ્યું હતું કે “પડદા પાછળ પહેલેથી જ રસીકરણ અંગે ઘણું આયોજન કરવામાં આવી રહ્યું છે. જી.પી. પ્રેક્ટીસે તેઓ કેવી રીતે કોવિડ રસી પહોંચાડવાની યોજના ધરાવે છે તે અંગે પ્રાયમરી કેર નેટવર્કના સહયોગથી યોજનાઓ સબમિટ કરી દીધી છે. અમે સામાન્ય રીતે લાખો દર્દીઓ માટે પહેલેથી જ વિસ્તૃત વિન્ટર ફ્લૂ રસીકરણ ડ્રાઇવનું પ્રચંડ કાર્ય હાથ ધરી રહ્યા છીએ. તેથી, અમે NHSના ઇતિહાસમાં સૌથી મોટા સામૂહિક રસીકરણને પહોંચાડવા માટે અમારા કર્મચારીઓને પૂરા પાડતા હોવાથી, આપણે કેટલાક કામ ખાસ કરીને વહીવટી કાર્ય અને કેટલાક રૂટીન કેરમાં વિલંબ કરવાની જરૂર પડશે. ખાસ કરીને નર્સિંગ સ્ટાફને રસીકરણ સ્થળો પર તૈનાત કરવામાં આવે ત્યારે કેટલોક વિલંબ થઈ શકે છે અને સર્જરી કદાચ અઠવાડિયાના સાતેય દિવસ ખોલવી પડે. અમે નથી ઇચ્છતા કે જો દર્દીઓ અસ્વસ્થ હોય અથવા કેન્સર જેવી ગંભીર બીમારીઓના ચિંતાજનક લક્ષણો હોય તો તેઓ સંભાળ લેવામાં મોડું કરે.”
સંશોધન પછી જાણવા મળ્યું છે કે અડધાથી વધુ ડોકટરો વહીવટી કાર્યોમાં દિવસમાં ઓછામાં ઓછો એક કલાક બગાડે છે. આરોગ્ય સેવાને વિનંતી કરવામાં આવી રહી છે કે, તબીબો દર્દીઓ સાથે વૉટ્સએપ પર સુરક્ષિત રૂપે વાતચીત કરે અને કર્મચારીઓને સરળ ટેકનીક પ્રદાન કરે જેથી દર્દીઓની સંભાળ માટે વધુ સમય ફાળવવામાં આવી શકે.
NHSની સમીક્ષામાં જાણવા મળ્યું છે કે સમુદાયમાં કાર્ય કરતા તબીબોએ ઓછામાં ઓછો ત્રીજો સમય વહીવટ અને દર્દીના સંકલનમાં ખર્ચ કર્યો હતો. તેમાં બહુવિધ કમ્પ્યુટર્સમાં સિંગલ લોગઇન સહિતના ફેરફારોની હાકલ કરી હતી.
BMA જીપી કમિટીની એક્ઝિક્યુટિવ ટીમના સભ્ય અને લંડનમાં જી.પી. તરીકે સેવા આપતા ડો. ફરાહ જમીલે કહ્યું હતું કે “સલામત, અસરકારક રસી દેશને મદદ કરવામાં નિર્ણાયક છે અને ખરેખર વિશ્વ કોવિડ-19ની વિનાશક અસરોથી મુક્ત થશે અને જી.પી. તેમના ઘણા દર્દીઓને આ જીવલેણ વાયરસથી સુરક્ષિત રહેવા માટે મદદ કરવા માંગતા હશે. આપણા દર્દીઓ, સમુદાયો અને સમગ્ર રાષ્ટ્રની રક્ષા માટે આ પ્રકારનું વ્યાપક અભિયાન શરૂ કરવા માટે, આપણે આને અને દર્દીઓની તાત્કાલિક સ્વાસ્થ્ય આવશ્યકતાઓને પ્રાથમિકતા આપવાની જરૂર રહેશે. જેમને સ્વાસ્થ્યની ચિંતા માટે જી.પી. અથવા પ્રેક્ટિસ સ્ટાફના અન્ય સભ્યને જોવાની જરૂર છે તેમણે એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરતા અચકાવું જોઈએ નહીં.”
NHSએ જણાવ્યું હતું કે જી.પી. કવરેજ પૂરતું નથી ત્યાં સ્થાનિક ફાર્મસીઓનો ઉપયોગ કોરોનાવાયરસ રસી આપવા માટે કરવામાં આવશે.
ફાર્માસિસ્ટ અને રાષ્ટ્રીય BAME સમુદાય અને યુનિવર્સિટી ઑફ ઑક્સફર્ડના પ્રિન્સિપલ કોવિડ-19 ટ્રીટમેન્ટ ટ્રાયલ માટેના લીડ પ્રોફેસર મહેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે “અઠવાડિયાના સાતેય દિવસ આરોગ્યની સંભાળ માટેની સલાહ આપનાર એકમાત્ર આધાર કોણ છે? તે ફાર્મસી છે. આ સંસાધનો અને નેટવર્કની દ્રષ્ટિએ અમારો વધુ ઉપયોગ કરવાની જરૂર છે તેઓ ફૂટ સોલ્જર્સ છે.”
ડીપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ સોશ્યલ કેર (DHSC) એ કહ્યું છે કે NHS પાસે વ્યાપક રસીકરણ કાર્યક્રમો પહોંચાડવાનો વિશાળ અનુભવ છે અને આરોગ્ય સેવા વિસ્તૃત કર્મચારીઓ સહિત કોવિડ-19 રસી આપવા તૈયાર છે તેની ખાતરી કરવા માટે વિશાળ આયોજન કરવામાં આવ્યું છે.