કોવિડ-19 વેકસીનના ટ્રાયલ્સ માટે નામ રજિસ્ટર કરવા માટે જનતા ખૂબ જ પ્રોત્સાહિત છે અને 100,000 લોકોએ કોવિડ-19 રસીના ભાવિ ક્લિનિકલ ટ્રાયલ્સ માટે NHS કોવિડ-19 વેક્સીન રીસર્ચ રજિસ્ટ્રીમાં પોતાનું નામ પણ નોંધાવી દીધુ છે. સ્વયંસેવકો કોરોનાવાયરસ સામેની લડતમાં સલામત અને અસરકારક રસી શોધવાના પ્રયત્નોને ઝડપી બનાવવામાં મદદ કરી રહ્યા છે.
યુકેના રીસર્ચર્સે તમામ જૂથોના, ખાસ કરીના ફ્રન્ટલાઈન હેલ્થ એન્ડ સોશ્યલ કેર વર્કરો, 65 વર્ષથી વધુ વયના તેમજ શ્યામ, એશિયન અને લઘુમતી વંશીય પૃષ્ઠભૂમિના સ્વયંસેવકોને સાઇન-અપ કરવા વિનંતી કરી છે.
સરકારે સોમવાર તા. 17ના રોજ લોકોને એનએચએસ કોવિડ-19 વેક્સીન રીસર્ચ રજિસ્ટ્રીમાં સાઇન અપ કરવા અને કોરોનાવાયરસ સામેની લડતમાં એનએચએસની મદદ કરવા વિનંતી કરી છે. યુકેમાં મોટા પ્રમાણમાં વેક્સીન રીસર્ચ કરવા માટે ઑક્ટોબર સુધીમાં શક્ય તેટલા લોકોને રજિસ્ટ્રીમાં સાઇન અપ કરવાનો હેતુ છે.
વિવિધ પ્રકારના સ્વયંસેવકોના ક્લિનિકલ અધ્યયનને પગલે વૈજ્ઞાનિકો અને સંશોધકોને રસીની દરેક ઉમેદવાર પર પડતી અસરને વધુ સારી રીતે સમજવામાં મદદ કરશે જેથી સલામત અને અસરકારક રસી શોધવાના પ્રયત્નોને નોંધપાત્ર રીતે વેગ મળે.
બિઝનેસ સેક્રેટરી આલોક શર્માએ કહ્યું હતું કે “વૈજ્ઞાનિકો અને રીસર્ચર્સ યુકેના સખત નિયમનો અને સલામતીના ધોરણોને પાસ કરી શકે તેવી રસી શોધવા માટે રાત-દિવસ કામ કરી રહ્યા છે. પરંતુ આ મહત્વપૂર્ણ સંશોધનને ઝડપી બનાવવા માટે તેઓને તમામ બેકગ્રાઉન્ડ અને વયના હજારો લોકોને અભ્યાસ માટે સાઇન-અપ કરવાની જરૂર છે. હું દરેકને કોરોનાવાયરસ સામેની લડતમાં ભાગ લેવા વિનંતી કરું છું, જેથી લાખો લોકોના જીવન બચાવવામાં અમે મદદ કરી શકીએ.”
કન્સલ્ટન્ટ રેસ્પીરેટરી ફીજીશીયન અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થ રિસર્ચ (NIHR) PRC, બ્રેડફર્ડના ડિરેક્ટર, દિનેશ સરાલ્યાએ જણાવ્યું હતું કે “ભવિષ્યના પ્રકોપથી બચાવવા માટેની શ્રેષ્ઠ અસરકારક રસીઓ વિકસાવવી છે. હું લોકોને વિશ્વાસ અપાવવા માંગુ છું કે સંશોધન પરીક્ષણો અને અભ્યાસ નૈતિકતા અને સલામતી માટે સખત રીતે નિયંત્રિત છે. અમે ભાગ લેનારા લોકોની સુરક્ષા માટે દરેક સાવચેતી રાખીએ છીએ.
ચીફ મેડિકલ ઓફિસર પ્રોફેસર ક્રિસ વ્હ્ટીએ કહ્યું હતું કે “નામ નોંધાવનારા લોકોનો હું ખૂબ જ આભારી છું.’’