મે મહિના પછી પહેલી વખત દેશમાં સૌથી વધુ દૈનિક કેસો નોંધાયા છે અને બુધવાર તા. 16ની સવાર સુધીના 24 કલાકમાં યુકેમાં રોજના લગભગ 4,000 કેસ નોંધાઇ રહ્યા છે. અન્ય ડેટા દર્શાવે છે કે કોવિડ-19 વાળા 153 લોકોને રવિવારે ઇંગ્લેન્ડની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જે 1 જુલાઇ પછીનો મોટો દૈનિક આંકડો છે.
વડા પ્રધાન બોરિસ જ્હોન્સને ચેતવણી આપી છે કે મૃત્યુદરમાં પણ વધારો થશે. તેમણે સાંસદોની પ્રભાવશાળી સમિતિ સમક્ષ જણાવ્યું હતું કે હાલની કોવિડ ટેસ્ટીંગ સીસ્ટમમાં ‘વિશાળ સમસ્યાઓ’ છે. ઇંગ્લેન્ડમાં કોરોનાવાયરસથી હોસ્પિટલમાં દાખલ થયેલા લોકોની સંખ્યા જુલાઈની શરૂઆતથી ઉચ્ચતમ સ્તર પર પણ પહોંચી ગઈ છે. વડા પ્રધાને સ્વીકાર્યું છે કે હાલમાં ટેસ્ટીંગની પૂરતી ક્ષમતા નથી અને “ઘણા લોકો નિરાશ છે”.
લોકોને ટેસ્ટમાં થતા વિલંબ, અથવા ટેસ્ટીંગ કેન્દ્રોની લાંબી મુસાફરી અંગે પૂછવામાં આવતા તેમણે આગામી મહિનાના અંત સુધીમાં ટેસ્ટીંગની દૈનિક ક્ષમતા 500,000 સુધી વધારવાના વચનનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે “હવે અમારી પાસે પૂરતા ટેસ્ટીંગની ક્ષમતા નથી પણ હું ટેસ્ટ ઇચ્છતા દરેકને ટેસ્ટની સવલત આપવા માંગુ છું.”
લેબર સાંસદ, કેથરિન મેક’કિનેલ દ્વારા, એક સમયે મળી શકાય તેવા 6 લોકોની સંખ્યા વિષે સમીક્ષા કરવા અંગે પૂછેલા પ્રશ્ન અંગે જ્હોન્સને ચેતવણી આપી હતી કે ચેપના વધતા દરને પગલે કડક પગલાં લેવાની જરૂર છે. આ રોગની હકીકત એ છે કે તે બાળકો અને પુખ્ત વયના લોકો વચ્ચે સહેલાઈથી ટ્રાન્સમિસિએબલ છે. 80 વર્ષથી વધુ વયના લોકોમાં હાલમાં કોવિડના 100,000 દીઠ 12 કેસ છે જે થોડા દિવસો પહેલાની તુલનામાં બમણા છે.