યુકેમાં વિદેશથી આવી રહેલા લોકોએ આપવી પડતી NHS કોરોનાવાયરસ ટેસ્ટ ફીની રકમમાં ઘટાડો કરવામાં આવ્યો છે. રસીનો ડબલ ડોઝ લેનાર ગ્રીન-લિસ્ટેડ દેશોમાંથી અને એમ્બર-લિસ્ટેડ દેશોમાંથી આવતા લોકો માટે ટેસ્ટ અને ટ્રેસ ટેસ્ટ ફીની રકમ £88થી ઘટાડીને £68 કરવામાં આવી છે. જ્યારે બન્ને રસી લીધી ન હોય તેવા એમ્બર-લિસ્ટેડ દેશોમાંથી આવનારાઓ માટેના બે ટેસ્ટની ફી £170થી ઘટાડીને £136 કરવામાં આવી છે. બીજા અને આઠમા દિવસે કરવાના ટેસ્ટ પ્રોવાઇડરના ભાવની સમીક્ષા કરવાની છે.
હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદે પીસીઆર કોવિડ ટેસ્ટ કરતી કંપનીઓ દ્વારા “વધુ પડતા” ભાવો અને શોષણ કરાતું હોવાના આક્ષેપો બાદ તપાસ કરવાની જાહેરાત કરાયા બાદ ભાવ ઘટાડવામાં આવ્યા છે.
જાવિદે કહ્યું હતું કે ‘’લોકોને ગેરમાર્ગે દોરનાર ભાવો બંધ કરવામાં આવશે અને જરૂરી ધોરણોને પૂર્ણ કરવામાં નિષ્ફળ રહેલા પ્રોવાઇડરને સરકારની માન્ય યાદીમાંથી દૂર કરવામાં આવશે. હું લોકોને શોષણથી બચાવવા અને ઉચ્ચ ગુણવત્તાના ટેસ્ટ્સ વાજબી કિંમતે ઉપલબ્ધ કરાવવા માટે સંકલ્પબદ્ધ છું. કાઉબોયની જેમ વર્તન કરતી કંપનીઓને અટકાવવાની જરૂર છે. લોકોને સમર હોલીડેઝ માણવાની છૂટ હોવી જોઈએ.’’
બીજી વખત NHS ટેસ્ટીંગના દરોમાં ઘટાડો કરાયો છે જે અગાઉ બે ટેસ્ટ માટે £210 હતો. જો સમીક્ષામાં ખાનગી કંપનીઓની શરતો અન્યાયી, અમલમાં મૂકી ન શકાય તેવી લાગશે તો કોમ્પીટીશન એન્ડ માર્કેટ ઓથોરિટી અથવા ટ્રેડિંગ સ્ટાન્ડર્ડ્સ દ્વારા પગલા લેવાઇ શકે છે. દોષીત કંપનીઓ જો ગ્રાહક કાયદાનું ઉલ્લંઘન કરતી જણાશે તો તેમને બંધ કરવા કોર્ટના આદેશ પણ લેવાશે. પીસીઆર ટેસ્ટ ઓફર કરતી 400થી વધુ કંપનીઓએ પીસીઆર ટેસ્ટના £20થી લઇને £500 વસુલ કર્યા હતા.