કોરોનાવાયરસ વિશેષ

0
737

NHS લેબ્સ વાયરસના એન્ટિબોડી ટેસ્ટની સંખ્યા 90,000 સુધી વધારવામાં મદદ કરશે

NHS લેબ્સ રોજના હજારો એન્ટિબોડી ટેસ્ટ કરવાની યોજના બનાવી રહ્યુ છે જેથી તેઓ સ્ટાફ અને દર્દીઓને જણાવી શકે કે તેઓ કોરોનાવાયરસથી સાજા થઈ ગયા છે કે કેમ. બ્રિટનની ટોચની લેબ્સના ડૉક્ટર પોતાની તમામ સુવિધાનો ઉપયોગ સચોટ ટેસ્ટ કરવાના પ્રયત્નોનુ સંકલન કરવા માટે કરી રહ્યા છે. જેથી આવતા થોડાક મહિનામાં દિવસના 90,000 લોકોનો ટેસ્ટ કરવાની આશા છે. હવે તપાસ માટે કોને પ્રાધાન્યતા આપવી તે અંગેની ચર્ચા થઇ રહી છે. હાલના તબક્કે ડૉકટરો અને નર્સો, પછી NHS સ્ટાફ, કી વર્કર્સ અને પછી અન્ય બીમારીઓ માટે સારવારની જરૂર છે તેવા દર્દીઓને પ્રાથમિકતા આપવામાં આવશે.

આ એન્ટિબોડી ટેસ્ટથી જે લોકો કોરોનાવાયરસથી સ્વસ્થ થયા છે અને જેમની રોગપ્રતિકારક શક્તિ વિકસિત થઇ છે તેવા લોકોને સામાન્ય જીવનમાં પાછા ફરવા દેવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જો કે, સરકાર દ્વારા મૂલ્યાંકન કરવામાં આવેલી હોમ ટેસ્ટીંગ કીટ ઉપયોગ માટે ખૂબ જ અયોગ્ય સાબિત થઈ હતી અને આરોગ્ય વિભાગ ચીન પાસેથી 3 મિલિયન બિનઉપયોગી ટેસ્ટ કીટના પૈસા પાછા માંગશે.

રોગપ્રતિકારક શક્તિ  ધરાવતા લોકોને “ઇમ્યુનિટી સર્ટીફીકેટ” આપવામાં આવશે અને તેઓ સામાન્ય જીવનમાં પાછા ફરી શકશે.

વેક્સીન ન શોધાય ત્યાં સુધી યુકેમાં કેટલાક પ્રતિબંધ ચાલુ રહેશે

નવા સર્વેમાં જણાયું છે કે 980 લોકોના દૈનિક મોતની સંભાવના પછી હાલમાં દર 10માંથી 9 બ્રિટીશ નાગરીકો પોતાના ઘરમાં રહીને ઘરમાં રહેવાની સલાહને માની રહ્યા છે. લગભગ 18 મહિના સુધી વાયરસની રસી ઉપલબ્ધ નહિ થાય ત્યાં સુધી સામાન્ય જીવન અટકેલુ રહેશે એમ અધિકારીઓએ જણાવ્યું છે.

ઘરેથી કામ કરવાની અને લક્ષણો હોય તો સાત દિવસ ઘરે રોકાવાની સલાહનુ આવતા વર્ષે પણ પાલન કરવાનુ રહેશે. મિનીસ્ટર્સ આવતા અઠવાડિયાઓમાં શાળાઓ અને દુકાનો ખોલવા પરવાનગી આપી લોકડાઉનને હળવો કરવા માંગે છે. અત્યારના તબક્કે ‘એક્ઝિટ વ્યૂહરચના’ તરીકે રસી અથવા તો તેની સારવાર જ એક માત્ર વિકલ્પ છે. નિષ્ણાતોના મતે યુકે પર રાખવામાં આવેલા સામાજિક અંતરનાં પગલાં ‘અનિશ્ચિત’ હોઈ શકે છે. એક પ્રોફેસરે કહ્યું હતુ કે વાયરસ માટેની રસી સપ્ટેમ્બર સુધીમાં તૈયાર થઈ શકે છે અને તેના કામની સફળતાની શક્યતા 80% છે.

સરકાર લાંબા ગાળા માટે સ્વૈચ્છિક ધોરણે સામાજિક અંતર રાખવા માટે લોકોને પ્રોત્સાહિત કરવાની સત્તાવાર યોજના વિષે ચર્ચા કરી રહી છે. ડોમિનીક રાબે પણ સંપૂર્ણ લોકડાઉન ઉપાડવું ‘ખૂબ જ વહેલું’ ગણાવી આગામી ગુરૂવારે કેટલાક અઠવાડિયા સુધી ઔપચારિક રીતે વધારવામાં આવશે તેમ જણાવ્યુ હતુ.

લોકો મરી રહ્યા છે ત્યારે ધનિકોને ફ્રાન્સમાં હોલીડે કરવી છે….

દુનિયા આખી કોરોનાવાયરસના કારણે મોતને ભેટી રહેલા લોકોના બચાવવા ઝઝૂમી રહી છે, લોકો લોકડાઉનના નિયમોનુ પાલન કરી ઘરે બેસી ગયા છે ત્યારે 3 બિલીયોનેર ધનિકો, ત્રણ એસ્કોર્ટ્સ યુવતીઓ, સેક્રેટરી, ઇન્ટરપ્રિટર અને બોડીગાર્ડ્સ સાઉથ ફ્રાન્સમાં એક જ રાતના £50,000નો ભાવ ધરાવતા £60 મિલીયનના વિલામાં હોલીડે કરવા ચાર્ટર પ્લેન કરીને જઇ રહ્યા હતા ત્યારે માર્સેઇલ એરપોર્ટ પરથી તેમને લીલા તોરણે પાછા કાઢવામાં આવ્યા હતા.

ડેઇલી મેઇલના અહેવાલ મુજબ તેઓ એરપોર્ટ પર ઉતરીને 3 હેલિકોપ્ટર દ્વારા ‘અલંગ અલંગ’ વિલામાં જનાર હતા. પરંતુ કસ્ટમ્સ અને પોલીસ અધિકારીઓએ તેમને ટર્મેક પર જ ત્રણ કલાક રોકી રાખ્યા હતા. મુસાફરી કરનાર એકે જણાવ્યુ હતુ કે ‘’તેઓ રજા માણવા નહિ પણ એક બિઝનેસ ડીલ કરવા જતા હતા જે ફ્રાન્સમાં 994 લોકોને રોજગારી આપનાર છે.’’ ઉદ્યોગપતિ વિષે વધુ વિગતો અપાઇ નહતી પણ ઘણાં સમય પહેલા એરપોર્ટ અધિકારીઓ સાથે ફ્લાઇટ બુક કરાવાઇ હતી.

કલાકના £5,300નો ચાર્જ કરતુ એમ્બ્રેઅર લેગસી 600 જેટ ગત શનિવારે ફાર્નબરો એરપોર્ટથી માર્સેઇલ જવા નીકળ્યુ હતુ. બુક કરાવેલા 3 હેલિકોપ્ટરને પેસેંજર વગર રવાના કરાયા હતા. ફ્રેન્ચ પોલીસ દ્વારા લોકડાઉન નિયમોને ભંગ કરવા બદલ પ્લેનના પાઇલોટને દંડ કર્યો હતો.

તો…ડોકટરોના જીવ જોખમમાં મુકાશે: ડો. ચંદ નાગપૌલ

બ્રિટિશ મેડિકલ એસોસિએશન (બીએમએ)ના કાઉન્સિલ ચેરના અધ્યક્ષ ડો. ચંદ નાગપૌલે સરકારને ચેતવણી આપી છે કે દેશની રાષ્ટ્રીય આરોગ્ય સેવા (એનએચએસ)ની હોસ્પિટલોમાં કોરોનાવાયરસ રોગચાળા સામે લડતા તબીબી કર્મચારીઓને રક્ષણાત્મક ઉપકરણો (પીપીઇ) પૂરતા પ્રમાણમાં મળતા નથી તેને કારણે ઘાતક વાયરસથી શ્યામ અને લઘુમતી વંશીય (BAME) ડૉક્ટરોને મોટુ જોખમ છે.

નાગપૌલે જણાવ્યું હતુ કે ‘’અમે અજ્ઞાત, ખૂબ ચેપી અને સંભવિત જીવલેણ વાયરસ સાથે કામ કરી રહ્યા છીએ. યુકેમાં 11 ડોકટરો સહિત અનેક આરોગ્યસંભાળ કર્મચારીઓએ જીવ ગુમાવ્યા છે. રોગની સારવાર માટે તાલીમ પામેલા લોકોનુ યોગ્ય રક્ષણ કરવામાં આવી રહ્યું નથી અને તેમના વિના આપત્તિનો સામનો કરવો પડશે.”

બીએમએ જણાવ્યું હતું કે ‘’લંડન અને યોર્કશાયરમાં એપ્રન અને ફેસ માસ્ક સહિતના પી.પી.ઇ.નો સપ્લાય ખતરનાક રીતે નીચલા સ્તરે છે અને કેટલાક ઇક્વીપમેન્ટ તો મળતા પણ નથી. આમ કરીને સરકાર ડોકટરો અને દર્દીઓને ગંભીર જોખમમાં મૂકે છે. તાજેતરમાં કરાયેલા એક સર્વેમાં ઉચ્ચ જોખમવાળા વાતાવરણમાં કામ કરતા અડધાથી વધુ ડૉક્ટરોએ જણાવ્યું હતું કે, ક્યાં તો તંગી છે અથવા પૂરતા પ્રમાણમાં ફેસ માસ્ક નથી. જ્યારે 65 ટકા લોકોએ જણાવ્યું હતું કે તેમની આંખોની સુરક્ષા માટે કોઇ પ્રોટેક્શન મળતુ નથી. 55 ટકા લોકોને લાગ્યુ હતુ કે પૂરતા પ્રમાણમાં પી.પી.ઇ. ન હોવા છતાં તેમને ઉચ્ચ જોખમવાળા ક્ષેત્રમાં કામ કરવાનું દબાણ થઇ રહ્યુ છે.’’

નાગપૌલે જણાવ્યું હતું કે, “કોઈ પણ ડોક્ટર કામ પર જતા હોય ત્યારે જોખમ ન લે. આ એક ખૂબ જ મુશ્કેલ સ્થિતિમાં રહેવાની છે. દેશભરના કર્મચારીઓને વહેલી તકે પૂરતા પ્રમાણમાં પી.પી.ઇ.ની જરૂર છે. તેમણે BAME ડોકટરો અને નર્સોના મોટી સંખ્યામાં મોત નિપજ્યા તે પાછળના પરિબળોનું મૂલ્યાંકન કરવા કાર્યવાહી કરવાની પણ વિનંતી કરી છે.

બ્રિટિશ એસોસિએશન ઑફ ફિઝિશ્યન્સ ઑફ ઈન્ડિયન ઓરિજિન (BAPIO) એ ઇંગ્લેન્ડના ચીફ મેડિકલ ઑફિસર પ્રોફેસર ક્રિસ વ્હિટી અને એનએચએસ ઇંગ્લેન્ડના મેડિકલ ડિરેક્ટર સ્ટીફન પોવિસને કોવિડ-19ના તમામ ડેટાનો અભ્યાસ કરી BAME અને ભારતીય મૂળના દર્દીઓને કોરોનાવાયરસથી મોતનો અને બીમાર પડવાનો ખતરો કેમ છે તેની તપાસ કરવા વિનંતી કરી હતી.