દેશના વડા પ્રધાન બોરીસ જોન્સને ડાઉનિંગ સ્ટ્રીટ ન્યૂઝ કોન્ફરન્સમાં “કોવિડ સાથે રહેવા માટે”ની યોજનાની ઘોષણા કરતા જણાવ્યું હતું કે ‘’ફેસ માસ્ક હવે કાયદેસર રીતે જરૂરી રહેશે નહીં અને ઇંગ્લેન્ડના કોવિડ લૉકડાઉન રોડમેપના અંતિમ તબક્કે અંતર જાળવવાના નિયમો દૂર કરવામાં આવશે. ખાનગી ઘરોનો રૂલ ઓફ સિક્સનો નિયમ દૂર કરવામાં આવશે અને રોજિંદા જીવનને અસર કરતા છેલ્લા 16 મહિનાના પ્રતિબંધો દૂર કરાશે. ઘરેથી કામ કરવાની ગાઇડલાઇન પણ દૂર કરવામાં આવશે. નવીન ડેટાની સમીક્ષા કર્યા પછી 12 જુલાઇએ યોજના મુજબ આગળના નિયમોની જાહેરાત કરવામાં આવશે.’’
શાળાના બબલ્સ, મુસાફરી અને સેલ્ફ આઇસોલેશનના આગામી અપડેટ્સ આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે.
જોન્સને જણાવ્યું હતું કે ‘’ફેસ માસ્કની કાયદેસરની જરૂરિયાતને દૂર કર્યા પછી પણ, હું ભીડભાડવાળી જગ્યાએ “સૌજન્ય તરીકે” માસ્ક પહેરવાનું ચાલુ રાખીશ. ઇંગ્લેન્ડમાં મોટાભાગના કાયદાકીય પ્રતિબંધો ખતમ કરવાની ક્ષમતા રસીના રોલઆઉટની સફળતાને કારણે આભારી છે.
પરંતુ કોવિડના કેસો આ મહિના પછી વધીને 50,000 થવાની આગાહી કરવામાં આવી છે. આપણે સ્પષ્ટપણે કડી તોડવા માટે રસીકરણ કાર્યક્રમ સાથે ઘણું બધું કર્યું છે ત્યારે હવે જો આપણે આગળ નહીં વધીએ તો ક્યારે આગળ વધીશું? જેમનો ટેસ્ટ પોઝીટીવ આવશે તેમને સેલ્ફ આઇસોલેટ થવું પડશે. ટૂંક સમયમાં સંપૂર્ણ રસી મેળવનાર લોકો માટે નવા નિયમો બનાવવામાં આવશે.’’
વડા પ્રધાને જણાવ્યું હતું કે ‘’ઇંગ્લેન્ડમાં સ્ટેજ ફોર 12 જુલાઈની સમીક્ષા પછી આગળ વધશે. લગ્ન અને અંતિમવિધિમાં લોકોની હાજરીની મર્યાદાનો અંત આવશે. બાર અને રેસ્ટોરન્ટમાં ટેબલ સર્વિસના નિયમો અને વેન્યુ ચેક ઇનની જરૂરિયાતને રદ કરવામાં આવશે. માત્ર નામ નોંધાવાયું હોય તેવા જ મુલાકાતીઓને કેર હોમની મુલાકાત કરવા દેવાની મર્યાદા દૂર કરવામાં આવશે. નિયમો લાગુ કરવાની કાઉન્સિલની સત્તાઓને સમાપ્ત કરાશે. મોટા પાયે કરાતી ઇવેન્ટ્સને કાયદેસર પ્રમાણપત્રની જરૂર રહેશે નહીં. 40થી નીચેની વયના લોકોની બે રસી વચ્ચેનું અંતર 12થી ઘટાડીને આઠ અઠવાડિયા સુધીનું ટૂંકાવી દેવામાં આવશે. એજ્યુકેશન સેક્રેટરી ગેવિન વિલિયમસન મંગળવારે શાળાઓ કેવી રીતે આઇસોલેશનનું પાલન કરશે તેની જાહેરાત કરશે. પણ હવે સ્કૂલે બબલ્સનું પાલન કરવાનું રહેશે નહિ.’’
આ નિયમોનો અર્થ એ છે કે રોગચાળો શરૂ થયો ત્યારથી નાઇટક્લબો પ્રથમ વખત ફરીથી ખોલશે, જ્યારે બારમાં ડ્રિન્ક્સ પિરસવાનું શરૂ થતાં હોસ્પિટાલીટી ઇન્ડસ્ટ્રીમાં વધારો કરાશે. રસીકરણ અથવા ટેસ્ટના સ્ટેટસને સાબિત કરવાના કોવિડ પ્રમાણપત્રો કાયદેસર રીતે ફરજિયાત નથી પરંતુ બિઝનેસીસ તેમની આવશ્યકતા મુજબ નિર્ણય લઇ શકશે.
હેલ્થ સેક્રેટરી સાજીદ જાવિદે સાંસદોને જણાવ્યું હતું કે ‘’તેઓ મંગળવારે નજીકના સંપર્કો માટે નવા નિયમોની જાહેરાત કરી શકે છે.
સ્કોટલેન્ડ, વેલ્સ અને નોર્ધન આયર્લેન્ડ પોતાના કોરોનાવાયરસના નિયમો ધરાવશે. સ્કોટિશ સરકારે કહ્યું છે કે 9 ઑગસ્ટ પછી પણ અમુક સેટિંગ્સમાં માસ્કની જરૂર પડશે પણ આશા છે કે અંતિમ પ્રતિબંધો સમાપ્ત થઈ જશે.
વેલ્સમાં 15 જુલાઈના રોજ સમીક્ષા પહેલા, મિનિસ્ટર્સે કહ્યું હતું કે લોકોએ કોવિડ સાથે રહેવાનું શીખવાની જરૂર રહેશે. નોર્ધર્ન આયર્લેન્ડમાં નિયમો હમણાં હળવા થયા છે અને 8 જુલાઈએ બીજી સમીક્ષા થવાની છે.
લેબર નેતા સર કીર સ્ટારમેરે જણાવ્યું હતું કે “ચેપનો દર વધતો જાય છે ત્યારે એક સાથે તમામ પ્રતિબંધો ઉપાડી લેવા તે અવિચારી છે. સંતુલિત અભિગમ અથવા યોગ્ય યોજના એમ કહે છે કે સંરક્ષણને ચાલુ રાખો. ઇંગ્લેન્ડના ચિફ મેડિકલ ઓફિસર પ્રો. ક્રિસ વ્હ્ટીએ જણાવ્યું હતું કે “ઇન્ડોર, ભીડથી ભરેલા સ્થળે અથવા અન્ય લોકો નિકટ હોય તેવા સ્થળે; કોઈ સક્ષમ અધિકારી દ્વારા જરૂરી હોય તેવા સંજોગોમાં અને જો મેં માસ્ક ન પહેર્યો હોય તો બીજા કોઈને અસ્વસ્થતા થતી હોય તો ફેસ માસ્ક પહેરવાનું ચાલુ રાખશે.સોમવારે તા. 5ના રોજ યુકેમાં વધુ 27,334 કેસ નોંધાયા હતા અને પોઝીટીવ ટેસ્ટના 28 દિવસની અંદર નવ લોકોના મૃત્યુ નોંધાયા હતા.