લીક થયેલા સંદેશાઓ દર્શાવે છે કે રેસીસ્ટ દેખાવાના ડરે યુકેના મિનિસ્ટર્સ કોવિડના ફેલાવા વિશે બોલતા ગભરાતા હતા. પૂર્વ હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકને કેબિનેટના સાથીદાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે ‘’જો તેઓ ‘વ્હાઇટ વર્કિંગ-ક્લાસ’ વિસ્તારોમાં લોકડાઉન કરે તો ‘રેસ રાયટ્સ’ થાય તેવો તેમને ડર હતો.’’
સોસ્યલ ગેધરીંગને પ્રતિબંધિત કરવાના નિયમોનું પાલન ન કરતા સમુદાયોમાં વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો હતો ત્યારે મિનિસ્ટર્સને ડર હતો કે જો તેઓ કોવિડના મુદ્દાને જાહેર કરશે તો તેઓને “રેસીસ્ટ” ગણવામાં આવશે.
એક ટોરી સાંસદે વડા પ્રધાનને જણાવ્યું હતું કે તે પ્રતિબંધો “જાતિ સંબંધી મુદ્દાઓ”ને વેગ આપી રહ્યા છે કારણ કે તેમના મતવિસ્તાર શિપ્લીમાં ભાગ્યે જ કોઈ કેસ હોવા છતાં બ્રેડફોર્ડને ધ્યાનમાં રાખીને સ્થાનિક લોકડાઉનમાં તેને શામેલ કરવામાં આવ્યો હતો. તે વખતે અશ્વેત અને એશિયન સમુદાયોને અસર કરતા મુદ્દાઓ પર વાત કરવા માટે કેમી બેડેનોક, પ્રીતિ પટેલ અને નદીમ ઝહાવી સહિતના મંત્રીઓનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.