નવા વેરિએન્ટ ધરાવતા હજ્જારો કોવિડ દર્દીઓને કારણે લંડનની વિવિધ હોસ્પિટલોના આઇસીયુ વોર્ડ ભરાઇ ચૂક્યા છે અને હવે વધુ દર્દીઓની સારવાર કરવી શક્ય નથી ત્યારે લડખડાઇ રહેલી લંડનની હોસ્પિટલો દ્વારા કેટલાક કોવિડ દર્દીઓને આઇસીયુમાં સારવાર મળે તે આશયે 300 માઇલ દૂર ન્યુકેસલ, 67 માઇલ નોર્ધમ્પ્ટન, 125 માઇલ દૂર બર્મિંગહામ અને 167 માઇલ દૂર શેફિલ્ડ ખસેડવામાં આવી રહ્યા છે.
એનએચએસ ઇંગ્લેન્ડે કોવિડ દર્દીઓને સારવાર મળી રહે તે માટે નોર્થ ઇંગ્લેન્ડ, મિડલેન્ડ્સ અને અન્ય વિસ્તારોની હોસ્પિટલોને લંડન, સાઉથ-ઇસ્ટ અને ઇસ્ટ ઇંગ્લેન્ડના દર્દીઓને સારવાર આપી શકાય તે માટે વધારાના આઇસીયુ બેડ શરૂ કરવા જણાવ્યું છે. યુકેની સમગ્ર હોસ્પિટલોમાં કોવિડના 36,489 દર્દીઓને સારવાર અપાઇ રહી છે અને માત્ર સાત દિવસમાં 5,872 દર્દીઓનો વધારો થયો છે. ગુરૂવાર તા. 14ના રોજ વધુ 48,682 પોઝીટીવ કેસ નોંધાયા હતા. ગુરૂવારે મોડેથી એમ કહેવામાં આવ્યું હતું કે અગાઉના 24 કલાકમાં 1,248 લોકોનાં મોત નોંધાયા હતા.
હોસ્પિટલ કન્સલ્ટન્ટ્સ અને સ્પેશ્યાલીસ્ટ્સ એસોસિએશનના પ્રમુખ ડૉ. ક્લાઉડિયા પાઓલોનીએ જણાવ્યું હતું કે, ‘’કોવિડ દર્દીઓને લાંબા અંતર સુધી લઇ જવાથી તેઓ જોખમમાં મુકાય છે અને તે બતાવે છે કે એનએચએસ ઘણા વર્ષોથી અન્ડર-ફંડિંગ અને સ્ટાફની અછતને કારણે “દોરડા પર લટકી” રહ્યું હતું. નર્સો એકની સામે એક જ સમયે ત્રણ કે ચાર ગંભીર દર્દીઓને સંભાળી રહી છે. તેમણે દરેક ઉપલબ્ધ જગ્યામાં આઇસીયુ વિભાગનો વિસ્તાર કર્યો છે અને સ્થિતીનો સામનો કરવા માટે નિષ્ણાંત કર્મચારીઓનો ઉપયોગ કરી રહ્યા છે. તે પણ પૂરતું ન હોવાથી ગંભીર રીતે બીમાર દર્દીઓના સેંકડો માઇલ દૂર ખસેડ્યા છે.
સોમવારે બોરિસ જોન્સને કહ્યું હતું કે NHS “સમય સામેની રેસમાં” છે અને ભારે દબાણનો સામનો કરે છે. બીજી તરફ ન્યુકેસલના ક્રિટિકલ કેર ડોકટરોને ચિંતા છે કે શહેરની રોયલ વિક્ટોરિયા અને ફ્રીમેન હોસ્પિટલોના આઇસીયુ વોર્ડ સ્થાનિક દર્દીઓથી જ ભરેલા છે તેથી તેઓ લંડનના દર્દીઓના ધસારોનો સામનો કરી શકશે નહીં. નોર્થ-ઇસ્ટ અને યોર્કશાયરની હોસ્પિટલોમાં 3,476 કોવિડ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. બીજી તરફ જીવનરક્ષક સારવાર પ્રાપ્ત કરી રહેલા કેટલાક કોવિડ દર્દીઓને કોવેન્ટ્રી, વુલ્વરહેમ્પ્ટન, લેસ્ટર, નોટિંગહામ અને ડર્બીની હોસ્પિટલોમાં ખસેડવાની વિચારણા કરાઇ રહી છે.