લંડનના ભૂતપૂર્વ પબ માલિક 42 વર્ષીય તારેક નમોઝે કોરોનાવાઇરસ રોગચાળા વખતે બિઝનેસમાં ટકી રહેવા માટે આપવામાં આવેલી બાઉન્સ બેક લોનનો ઉપયોગ કથિત રૂપે સીરિયાના આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટને ભંડોળ આપવા માટે કરતા તેની સામે કોર્ટ કેસ ચલાવાઇ રહ્યો છે.
કોઈ નિશ્ચિત સરનામું નહિં ધરાવતા નમોઝ નવેમ્બર 2020 અને મે 2021 દરમિયાન આતંકવાદી ભંડોળની ગોઠવણ કરવાના આઠ આરોપોનો સામનો કરી રહ્યો છે. તેના પર વીડિયો સંબંધિત આતંકવાદી માહિતી રાખવાના બે ગુનાનો પણ આરોપ છે. તા. 2ને સોમવારે વૉન્ડ્ઝવર્થ જેલમાંથી વિડિયો લિંક દ્વારા તેને ઓલ્ડ બેઇલી કોર્ટમાં રજૂ કરાયો હતો.
સરકાર દ્વારા રોગચાળા દરમિયાન શરૂ કરાયેલી બાઉન્સ બેક લોન યોજના હેઠળ નાના અને મધ્યમ કદના બિઝનેસીસને તેમના ટર્નઓવરના 25 ટકા સુધીની £2,000થી મહત્તમ £50,000 સુધીની લોન આપવામાં આવી હતી.
જસ્ટિસ સ્વીનીએ કહ્યું હતું કે આ એક “ગંભીર કેસ” છે જેની સુનાવણી કિંગ્સ્ટન ક્રાઉન કોર્ટના રિચમન્ડના રેકોર્ડર જજ પીટર લોડર દ્વારા કરવામાં આવશે.