ઇંગ્લેન્ડમાં કોવિડ-19 રોગચાળો વધી રહ્યો છે અને તેની પાછળનું કારણ મોટાભાગના યુવાન લોકો છે જેમને હજી રસી આપવામાં આવી નથી. રિએક્ટ-1 દ્વારા 20 મેથી 7 જૂન સુધીના સમયગાળા દરમિયાન કરાયેલા અભ્યાસના વિશ્લેષણમાં જણાયું હતું કે તાજેતરના દૈનિક ડેટાના સંકેતો સૂચવે છે કે રોગની વૃદ્ધિ ધીમી થવાની શરૂઆત થઈ શકે છે.
ઇમ્પીરિયલ કોલેજ લંડનના રીસર્ચર્સ કહે છે કે, યુવાનોને રસી આપવામાં આવે તો રોગનો વધુ ફેલાવો ઘટાડવામાં મદદ મળે છે. આ અભ્યાસ દરમિયાન 108,911 લોકોનો ટેસ્ટ કરાતા 135 લોકો પોઝીટીવ જણાયા હતા અને રોગનો વધારો 0.1 ટકાથી વધીને 0.15 ટકા થયો હતો. તેમાંના મોટા ભાગના કેસીસ 5થી 12 વર્ષના અને 18થી 24 વર્ષના વયના લોકોના હતા. તેમનો સરેરાશ આર રેટ 1.44 હતો.
દર સાત દિવસે સરેરાશ 7,888 કેસ નવા નોંધાતા હતા. યુકેમાં બુધવારે તા. 16ના રોજ 9,055 કેસ નોંધાયા હતા. જે તા. 25 ફેબ્રુઆરીએ નોંધાયેલા 9,985 પછીના સૌથી વધુ કેસ હતા. તા. 14ને સોમવાર સુધીમાં હોસ્પિટલમાં 1,177 દર્દીઓ નવા દાખલ થયા હતા. જો કે, પોઝીટીવ ટેસ્ટના 28 દિવસની અંદર મરણ પામનાર લોકોની સાપ્તાહિક સરેરાશ નવ મૃત્યુની હતી.
સર્વેને ડાયરેક્ટ કરનાર પ્રો. પૉલ ઇલિયટે કહ્યું હતું કે ‘’જે લોકોએ બે રસી લઇ લીધી છે તેવા વયસ્ક આધેડ લોકો માટે ખૂબ સારી સુરક્ષા છે. સરકારે જાહેરાત કરી છે કે હવેથી 19 જુલાઇના સમયગાળા દરમિયાન તમામ પુખ્ત વયના લોકોને રસી આપવા માગે છે. આનાથી ખૂબ મોટો ફરક પડશે અને વસ્તીની ઇમ્યુનિટીમાં વધારો થશે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ભારતમાં પહેલીવાર જોવા મળેલ ડેલ્ટા વેરિયન્ટ યુકેના આલ્ફા (કેન્ટ) વેરિયન્ટ કરતાં આગળ નીકળી ગયો છે, અને આશરે 90% ચેપ માટે તે જવાબદાર છે.
વડા પ્રધાન બોરિસ જોન્સને ઇંગ્લેન્ડમાં બાકી રહેલા કોવિડ પ્રતિબંધોને દૂર કરવા માટે કરેલા ચાર અઠવાડિયાના વિલંબને હાઉસ ઓફ કોમન્સમાં 489 મત મળ્યા હતા જ્યારે વિરોધમાં 60 વોટ પડ્યા હતા.