(PTI23-08-2020_000042B)

કોરોનાવાયરસ સંકટમાં આવેલા તાજેતરના વળાંકના કેન્દ્રમાં ઇસ્ટ લંડનના ત્રણ બરોનો સમાવેશ થાય છે. જ્યાં વિક્રમરૂપ સંખ્યામાં કોવિડના દર્દીઓ વધી રહ્યા છે. લંડન બરો ઑફ બર્કિંગ અને ડેગેનહામમાં બ્રિટનમાં સૌથી વધુ ચેપ દર 100,000 લોકો દીઠ 1,603નો નોંધાયો છે. જે ગયા વર્ષના ઉનાળા કરતાં 80 ગણો વધારે છે. તે પછી એસેક્સના થર્રોકમાં, દેશના બીજા ક્રમનો સૌથી વધુ દર 100,000 દીઠ 1,521 કેસનો છે. ત્રીજા સ્થાને લંડન બરો ઑફ રેડબ્રીજમાં દર 100,000 દીઠ કોવિડ દર્દીઓની સંખ્યા 1,496 કેસની છે.

ઇસ્ટ લંડનમાં ન્યુહામ, હેવરિંગ અને ટાવર હેમ્લેટ્સ; કેસલ પોઇન્ટ, એપીંગ ફોરેસ્ટ, હાર્લો, બેઝિલ્ડન અને એસેક્સમાં બ્રેન્ટવુડમાં પાછલા સાત દિવસોમાં દર 100,000ની વસ્તી દીઠ 1,200 કરતા વધુ દર્દીઓનો રેકર્ડ નોંધાયો છે. ચાર અઠવાડિયા પહેલા, બાર્કિંગ અને ડેગેનહામમાં 100,000 લોકો દીઠ માત્ર 300 કેસ હતા. તે દર હવે પાંચ ગણાથી વધુ ઉંચો છે.

ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ અનુસાર, દર 16 માંથી એક નિવાસી કોવિડથી સંક્રમિત છે. ઇંગ્લેન્ડમાં આશરે 50 માંથી એક, લંડનમાં 30માંથી એક અને બાર્કિંગ અને ડેગેનહામમાં 16માંથી એકને ચેપ લાગ્યો છે. ઇસ્ટ લંડન અને એસેક્સમાં નવા સ્ટ્રેઇનના વિકરાળ ઉછાળાના કારણે હોસ્પિટલો પર અસર પડી છે.

એસેક્સમાં ICUના નર્સે કહ્યું હતું કે “તમે દરરોજ રાત્રે એમ વિચારી ઘરે જાઓ કે આજનો દિવસ ભયંકર હતો પરંતુ બીજો દિવસ ખરેખર પહેલા દિવસ કરતાં વધુ ખરાબ રહે છે.”

વ્હાઇટચેપલની રોયલ લંડન હોસ્પિટલે સ્ટાફને જણાવ્યું હતું કે તે “ડિઝાસ્ટર મેડિસિન” મોડમાં જઈ રહી છે અને દર્દીની સંભાળની સામાન્ય ગુણવત્તાની બાંહેધરી આપી શકતી નથી. ઈલ્ફર્ડની કિંગ જ્યોર્જ હોસ્પિટલમાં, કોવિડના દર્દીઓને આગમન સમયે એમ્બ્યુલન્સની પાછળ રાખવામાં આવ્યા હતા. પેરામેડિક્સ અન્ય કટોકટીઓમાં ભાગ લેવા અસમર્થ હતા. જેનાથી ઘરે વધુ દર્દીઓ મદદની રાહ જોતા રહે છે. ગયા અઠવાડિયે લંડન એમ્બ્યુલન્સ સર્વિસના દર 6 ફ્રન્ટલાઈન કર્મચારીઓમાંથી એક બીમાર અથવા સેલ્ફ આઇસોલેટ થયા હતા. રાષ્ટ્રીય સ્તરે, લગભગ 50,000 એનએચએસ સ્ટાફ ગયા અઠવાડિયે બીમાર હતા. લંડનવાસીઓના કેટલાક એનએચએસ 111 કોલ્સનો જવાબ વેસ્ટ મિડલેન્ડ એમ્બ્યુલન્સ સ્ટાફ દ્વારા આપવામાં આવી રહ્યો હતો.