સોમવારે ઇંગ્લેન્ડમાં કોવિડ રોગચાળાના કારણે લાદવામાં આવેલા પ્રતિબંધો ઉઠાવી લેવાયા બાદ કોવિડના વધતા જતા કેસો અને મરણ, નાઇટ ક્લબ્સમાં યુવાનોએ કરેલા ધસારાને પગલે રોગચાળો ફાટી નીકળવાની ચિંતા, માસ્ક પહેરવા બાબતે પ્રવર્તી રહેલા વિવિધ અભિપ્રાયો સહિત વિવિધ બાબતે સરકાર ભીંસમાં મૂકાઇ છે અને સરકાર પર માછલા ધોવાઇ રહ્યા છે. કોવિડ પ્રતિબંધો હટાવવાથી ચેપ અને કેસોમાં વધારાની નિષ્ણાતોએ ચેતવણી આપી છે અને સરકારના પ્રતિબંધો હળવા કરવાના નિર્ણયની વિરોધ પક્ષોએ ટીકા કરી છે. બીજી તરફ પોતાની આરોગ્ય નીતિ નક્કી કરતી સ્કોટલેન્ડ અને વેલ્સની સરકારોએ કહ્યું કે તેઓ અન્ય પ્રતિબંધો વચ્ચે ચહેરો ઢાંકવાનો આદેશ જાળવી રાખશે.
વડા પ્રધાન બોરિસ જૉન્સનની 19 જુલાઈના સ્વાતંત્ર્ય દિનના નામે પ્રતિબંધોને હળવા કરી સામૂહિક ચેપ દ્વારા લોકોમાં કોવિડ રોગચાળા સામે પ્રતિરક્ષા ઉભી કરવાની કહેવાતી ‘ગુનાહિત’ યોજના સામે વિશ્વના 1200થી વધુ વૈજ્ઞાનિકો, નિષ્ણાતો અને ડોકટરોએ નંબર 10 પર પ્રહારો કરી નિંદા કરી છે. સરકારના અભિગમની ટીકા કરતા લેન્સેટમાં બીજા 120 વૈજ્ઞાનિકોના જૂથે એક પત્ર લખ્યો છે.
આપણે અત્યારે નહીં તો ક્યારે પ્રતિબંધો હળવા કરીશું: જોન્સન
વડા પ્રધાને 10 ડાઉનીંગ સ્ટ્રીટની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે “આપણે હવે પ્રતિબંધો હળવા કરી બધુ ખોલીશું નહીં તો પછી શિયાળાના મહિનાઓમાં કે ઓટમમાં મુક્તિ આપીશું ત્યારે વાઇરસને ઠંડા હવામાનનો ફાયદો થશે. આ અઠવાડિયાથી શરૂ થતા સમર હોલીડેઝ અગ્નિશામક પૂરવાર થશે. આપણી જાતને પૂછવું જોઇશે કે આપણે અત્યારે આ નહીં કરીએ તો ક્યારે કરીશું? તેથી આ યોગ્ય ક્ષણ છે, પરંતુ આપણે તે સાવચેતીપૂર્વક કરવાનું છે.”
વિરોધી લેબર પાર્ટીના શેડો હેલ્થ મિનિસ્ટર જોનાથન અશ્વર્થે કહ્યું હતું કે ‘’સરકાર “બેદરકારીપૂર્વક” વર્તી રહી છે અને પ્રતિબંધો દૂર કરી વૈશ્વિક સ્વાસ્થ્ય જોખમમાં મૂકે છે. અમે કોઈ પણ પ્રકારની સાવચેતી રાખ્યા વિના બધું ખોલવાના વિરોધી છીએ.”
કોરોનાવાયરસ પરના ઓલ-પાર્ટી પાર્લામેન્ટરી ગ્રુપના અધ્યક્ષ લિબરલ ડેમોક્રેટ સાંસદ લૈલા મોરને નંબર 10ના અભિગમને ‘અવિચારી’ ગણાવ્યો હતો. કિંગ્સ કોલેજ લંડનના ઇમ્યુનોબાયોલોજિસ્ટ પ્રોફેસર એડ્રિયન હાયડેએ નિર્ણય ‘બિનજરૂરી, અયોગ્ય અને સ્વ-નુકસાન પહોંચાડવાનું કારણ’ બનશે તેમ જણાવ્યું હતું.
અગાઉની લહેર કરતા બ્રિટનમાં બહુ ઓછા મૃત્યુ થતા હોવા છતાં નવા કેસોનો ભાર એનએચએસ પર હજી તીવ્ર દબાણ લાવશે અને નવા વેરિયન્ટ્સના બીજ વાવશે તેવી તબીબોએ ચેતવણી આપી છે.ભૂતપૂર્વ હેલ્થ સેક્રેટરી અને વરિષ્ઠ કન્ઝર્વેટિવ સાંસદ જેરેમી હન્ટે જણાવ્યું હતું કે ‘’એનએચએસ ડેશબોર્ડ પર લાલ લાઇટ ઝબકી રહી છે.’’બીજી તરફ ઇંગ્લેન્ડના લોકોએ એક સર્વેમાં સ્વીકાર્યું છે કે તેઓ આ સ્વતંત્રતાનો આનંદ માણવા તૈયાર નથી.
નવા મતદાન બતાવે છે કે 10માંથી ચાર પુખ્ત વયના લોકો અનિશ્ચિત સમય માટે જાહેરમાં ફરજિયાત ચહેરાના માસ્કને ટેકો આપે છે. જ્યારે ત્રીજા ભાગના કર્મચારીઓ કહે છે કે તેઓ હજૂ પણ ઑફિસમાં પાછા ફરવા બાબતે ‘અસ્વસ્થ’ છે.
પૂરતા લોકો તેને પહેરતા ન હોવાથી 19મી જુલાઇથી માસ્ક ‘સંભવત કોઈ સારું ફળ આપી શકશે નહીં’ એવો ટોચનાં એસએજી નિષ્ણાતનો દાવો છે. પ્રોફેસર ગ્રેહામ મેડલીએ કહ્યું હતું કે ‘’માસ્ક કેટલા ઉપયોગી છે તેના વિશે પુરાવાનો અભાવ છે અને તે ફક્ત ત્યારે જ કામ કરે છે જ્યારે ‘બધાં’ માસ્ક પહેરે છે.
19 જુલાઇ, રવિવારની મધ્યરાત્રિથી, ઇંગ્લેન્ડમાં નાઈટક્લબ્સ, સોશ્યલ ડીસ્ટન્સીંગ, સ્પોર્ટ્સ સ્ટેડિયમ, સિનેમાઘરો, થિયેટરો અને અન્ય ઇન્ડોર સ્થળો પરના તમામ પ્રતિબંધો હટાવાયા છે અને તેમને સંપૂર્ણ ક્ષમતાથી ખોલવાની મંજૂરી આપવામાં આવી હતી. જાહેર સ્થળોએ, પબ્લિક ટ્રાન્સપોર્ટમાં માસ્ક પહેરવાના અને ઘરેથી કામ કરવાના કાનૂની આદેશો કાઢી નાખવામાં આવ્યા હતા.
જોન્સને આઝાદીની પળો રોગચાળાના ખતરાને જોતા સમજદારીથી માણવા અનુરોધ કર્યો હતો. યુકેના બે તૃતીયાંશ પુખ્ત વયના લોકોને રસીના બન્ને ડોઝ અને બ્રિટનમાં દરેક પુખ્ત વયના લોકોને રસીનો ઓછામાં ઓછો એક ડોઝ અપાઇ ચૂક્યો છે. જો કે બ્રિટનમાં દૈનિક ચેપનો દર હાલમાં 50,000 કેસને વટાવી ગયો છે જે વિશ્વમાં ઇન્ડોનેશિયા અને બ્રાઝીલ પછી ત્રીજા ક્રમે છે.
રોજના બે લાખ કેસો થઇ શકે છે
ઇમ્પીરિયલ કોલેજ લંડનના પ્રોફેસર નીલ ફર્ગ્યુસને ચેતવણી આપી હતી કે ‘’બ્રિટન એક દિવસમાં 100,000 કેસનાં માર્ગે છે અને કોવિડનો ડેલ્ટા વેરિયન્ટ નિયંત્રણની બહાર નીકળી ગયો છે. એક દિવસમાં 2 હજાર લોકો હોસ્પિટલમાં દાખલ થઈ શકે છે કે દિવસમાં 200,000 કેસ હોઈ શકે છે, પરંતુ તે ખૂબ ઓછું શક્ય છે.”
તા. 17ને શનિવારે કોવિડ-19ના અન્ય 54,674 નવા કેસોની ઘોષણા કરાઇ હતી જે જાન્યુઆરીમાં જોવાયેલા સ્તરે પાછા આવ્યા છે. જ્યારે 41 લોકોના કોવિડથી મૃત્યુ થયા હતા.
પ્રોફેસર ગ્રેહામ મેડલીએ સ્વીકાર્યું કે માસ્ક કેટલા ઉપયોગી છે તેના વિશે પુરાવાનો અભાવ હતો પરંતુ જણાવ્યું હતું કે તેમની વ્યક્તિગત માન્યતા તેઓ ફક્ત ત્યારે જ કામ કરે છે જ્યારે ‘બધાં’ પહેરે છે.
યુરોપના “એમ્બર લીસ્ટ”ના દેશોમાંથી પાછા ફરતા રસીના બે ડોઝ લેનાર લોકોએ હવે સેલ્ફ આઇસોલેટ થવું પડશે નહિં. જો કે અંતિમ મિનિટે સરકારે ફ્રાન્સને અપવાદ રાખ્યું હતું.
ડોકટરો અને સાંસદોએ જણાવ્યું હતું કે, જાવિદે બેવડી રસી લીધી હોવા છતાં જે રીતે ચેપ લાગ્યો તેમ 32% પુખ્ત વયના લોકો અને રસીનો બે ડોઝ ન લીધા હોય તેવા બાળકોને ચેપનું વધારે જોખમ છે.
હાલને તબક્કે મોટાભાગના બાળકોને રસી આપવામાં આવશે નહીં. પણ 12થી 15 વર્ષની વયના સંવેદનશીલ બાળકો અથવા જેઓ સંવેદનશીલ વડિલો સાથે રહે છે તેવા બાળકો રસી માટે પાત્ર બનશે. જો કે તે માટે હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
ઓબ્ઝર્વરને લખેલા પત્રમાં, યુકેની ચારેય સ્વતંત્ર જાહેર આરોગ્ય સંસ્થાઓએ ચેતવણી આપી છે કે “કોવિડ-19 સામેની લડતમાં આપણે કાળજીપૂર્વક આગળ વધવું જોઈએ, બેપરવાહી કરીને નહિં. સરકારે અસરકારક જાહેર આરોગ્ય પગલાંને પ્રોત્સાહન આપવું જોઈએ કારણ કે વ્યક્તિગત જવાબદારી પૂરતી નથી.”