યુકેમાં ગત 6 ફેબ્રુઆરી પછી પહેલી વખત રોજના સૌથી વધુ 16,135 કોવિડ-19 કેસો નોંધાયા છે. 21 જૂનના રોજ નોંધાયેલા 11,625 કેસો કરતા તા. 22ના રોજ 4,500 કરતા વધારે કેસ નોંધાયા હતા. એક જ દિવસમાં આટલો વધારો પહેલા જોવા મળ્યો નથી. બુધવાર તા. 23 સુધીમાં બીજા 19 લોકો કોવિડ માટે પોઝીટીવ જાહેર થયાના 28 દિવસની અંદર મૃત્યુ પામ્યા હતા. યુકેમાં કોવિડ-19ના કારણે મરણ પામેલા લોકોની કુલ સંખ્યા 128,027 પર પહોંચી ગઈ છે.
ઑફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ દ્વારા પ્રકાશિત થયેલા અલગ આંકડા દર્શાવે છે કે યુકેમાં મૃત્યુ પ્રમાણપત્ર પર કોવિડ-19 નો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય તેવા 153,000 લોકોના મૃત્યુ નોંધાયા છે. ગત બુધવારે તા. 22ના રોજ નવ લોકોનાં મોત સાથે 9,055 નવા કેસ નોંધાયા હતા. 17 જૂનથી તા. 23 સુધીમાં 79,481 લોકો કોવિડ-19 પોઝીટીવ જણાયા હતા. જે અગાઉના અઠવાડિયા કરતા 43.9 ટકા વધારે હતા.
વડા પ્રધાનના પ્રવક્તાએ ડેટા અંગે ટિપ્પણી કરતાં કહ્યું: “આ વધુ ટ્રાન્સમિસિબલ વેરિયન્ટ નિયંત્રણમાં રહે તે માટે અમે અમારા રસીકરણ પ્રોગ્રામ અને અન્ય પદ્ધતિઓનો ઉપયોગ કરવા માટે સખત મહેનત કરી રહ્યા છીએ. અમે જોઈ રહ્યા છીએ તે રસીકરણના ઉચ્ચ સ્તર સાથે, અમને વિશ્વાસ છે કે અમે તે કરી શકીએ છીએ જે અમને સ્ટેપ ફોર તરફ જવા દે છે.”