કોરોનાવાયરસ શરીરને અસંખ્ય રીતે અસર કરે છે, સ્વાદની ખોટથી માંડીને નાકની ગંધ પારખવાની શક્તિના નુકસાન સુધી. પરંતુ કોવિડ-19 રોગ અચાનક અને કાયમ માટે બહેરાશનું કારણ બની શકે છે એમ નિષ્ણાતોએ એક અભ્યાસમાં શોધી કાઢ્યું છે. આવી સમસ્યામાં વહેલી તકે તપાસ અને તાત્કાલિક સારવારની જરૂર છે.
બીએમજે જર્નલમાં કેસ રિપોર્ટ્સમાં યુનિવર્સિટી કૉલેજ લંડનના નિષ્ણાતોએ એક કેસના ટાંકતા જણાવ્યું હતું 45 વર્ષના અસ્થમાવાળા વ્યક્તિને ICUમાં દાખલ કરી એન્ટિવાયરલ રીમડેસિવીર અને ઇન્ટ્રાવેનસ સ્ટેરોઇડ્સ સહિતની દવાઓ આપવામાં આવી હતી. પણ ICU છોડ્યાના એક અઠવાડિયા પછી તેને કાનમાં ઘંટડી વાગતી હોય તેવા અવાજ આવ્યા બાદ તેના ડાબા કાને બહેરાશ આવી ગઇ હતી.
ટીમનું કહેવું છે કે આ દવાઓથી કોઇ નુકસાનની અપેક્ષા નહોતી કે તેમની ઇયર કેનાલ્સ અથવા ડ્રમ્સની કોઈ સમસ્યા ન હતી. વધુ તપાસમાં ઓટોઇમ્યુન સમસ્યાઓ, ફ્લૂ અથવા HIV ન હતો કે કદી સાંભળવાની સમસ્યા ન હતી.
આ કેસ યુકેમાં નોંધાયેલી આવી પહેલી ઘટના છે, જો કે અન્ય દેશોમાંથી પણ આવા સંખ્યાબંધ રિપોર્ટ સામે આવ્યા છે. રીપોર્ટના સહ-લેખક ડૉ. સ્ટેફનીયા કૌમ્પાએ જણાવ્યું હતું કે સાર્સ-કોવ-૨ વાયરસ કાનના અંદરના કોષોમાં પ્રવેશ કરે છે અને સેલનું મૃત્યુ નિપજાવે છે.
યુનિવર્સિટી ઓફ માન્ચેસ્ટરમાં ઑડિઓલોજીના પ્રોફેસર, કેવિન મુનરોએ જણાવ્યું હતું કે તે જાણીતું છે કે ઓરી અને ગાલપચોળિયા સહિતના અન્ય વાયરસ કાનની સાંભળવાની કામગીરીને અસર કરી શકે છે.