પીડીયાટ્રીક મલ્ટી સિસ્ટમ સિન્ડ્રોમ એટલે કે પોસ્ટ-કોવિડ દુર્લભ રોગથી પીડાતા 100 બાળકોને દર સપ્તાહે હોસ્પિટલમાં આઇસીયુ વોર્ડમાં દાખલ કરવા પડે છે. જેમાંના મોટાભાગના એટલે કે 75 ટકા બાળકો શ્યામ, એશિયન અથવા વંશીય લઘુમતી સમુદાયના છે.
PIMS વાળા મોટાભાગના બાળકોને PICUની સુવિધા ધરાવતી એનએચએસ નેટવર્કની 23 હોસ્પિટલોમાં લઈ જવામાં આવે છે, જેમા લંડનની ગ્રેટ ઓરમન્ડ સ્ટ્રીટ ચિલ્ડ્રન્સ હોસ્પિટલનો સમાવશ થાય છે. માનવામાં આવે છે કે જાન્યુઆરીની શરૂઆતથી દરરોજ 12 થી 15 બાળકો બીમાર પડ્યા છે. મોટાભાગના બાળકો લંડન અને સાઉથ-ઇસ્ટ ઇંગ્લેન્ડના છે, જ્યાં કોરોનાવાયરસના નવા કેન્ટ વેરિએન્ટના ચેપનો તીવ્ર વધારો થયો છે.
એનએચએસ રેસ અને હેલ્થ ઓબ્ઝર્વેટરીના ડિરેક્ટર ડૉ. હબીબ નકવીએ જણાવ્યું હતું કે ‘’BAME બાળકોને PIMS થવાનું જોખમ વધારે હોવા અંગે તપાસ થવી જોઇએ. અમે આ પ્રારંભિક તારણો અંગે ચિંતિત છીએ અને જાણીએ છીએ કે માળખાકીય આરોગ્ય અસમાનતા વંશીય લઘુમતી પૃષ્ઠભૂમિના વ્યક્તિઓના જીવનને અસર કરી શકે છે.”
જ્યારે PIMS રોગચાળાના પ્રથમ તરંગમાં ઉભરી આવ્યો હતો, ત્યારે તેનાથી ડોકટરોમાં મૂંઝવણ, એનએચએસ વડાઓ વચ્ચે ચિંતા અને માતાપિતામાં ભય ઉભો થયો હતો. તે વખતે 5,000 બાળકોમાં આ રોગ દેખાયો હતો જેમને કોવિડના લક્ષણો નહતા. શરૂઆતમાં તે કાવાસાકી રોગ હોવાનું માનવામાં આવતું હતું જે મુખ્યત્વે બાળકો અને શિશુઓને અસર કરે છે.
આ રોગમાં શરીર પર ફોલ્લીઓ થવી, 40 સેલ્સીયસ સુધી તાવ આવે, ખતરનાક રીતે લો બ્લડ પ્રેશર થાય અને પેટની સમસ્યાઓ થાય છે. ગંભીર કિસ્સાઓમાં તેના ટોક્ષીક શોક્સ કે જીવલેણ સેપ્સિસ હતા. માનવામાં આવે છે કે બે બાળકો પિમ્સથી મૃત્યુ પામ્યા છે.
બાળકોના ચેપી રોગોના નિષ્ણાત અને લંડનમાં ઇમ્પિરિયલ કોલેજમાં બાળકોની સેવાઓ માટેના ક્લિનિકલ ડિરેક્ટર ડૉ. હર્માઇની લિયાલ દ્વારા એકત્રિત કરાયેલા પુરાવામાં આ રોગ BAME મૂળના બાળકો પર ખૂબ જ અપ્રમાણસર અસર દર્શાવે છે.
તાજેતરમાં એક વેબિનારમાં એક હજારથી વધુ બાળ ચિકિત્સકોને જણાવ્યું હતું કે PIMS ના કારણે ICUમાં દાખલ કરાયેલા 78 બાળ દર્દીઓમાં 47% આફ્રો-કેરેબિયન મૂળના અને 28% દર્દીઓ એશિયન પૃષ્ઠભૂમિના હતા. જે તેમની યુકેની 14% વસ્તીના પ્રમાણમાં પાંચથી છ ગણા હતા. તા. 13 જાન્યુઆરી સુધી PIMSના 107 કેસમાં 60% શ્યામ આફ્રિકન અથવા કેરેબિયન બાળકો હતા. PIMS રોગ મેળવનાર બાળકોની સરેરાશ વય 11 છે, પરંતુ 8 થી 14ની વચ્ચેના બાળકોને થઇ શકે છે.
રોયલ કૉલેજ ઑફ પેડિઆટ્રિક્સ એન્ડ ચાઇલ્ડ હેલ્થના PIMSના પ્રવક્તા ડૉ. લિઝ વ્હિટ્ટેકરે કહ્યું હતું કે “BAMEને જ કેમ વધુ અસર થાય છે તે સમજવા માટે અમે સંશોધન કરી રહ્યા છીએ. આનુવંશિકતા એક પરિબળ હોઈ શકે છે. પરંતુ અમને ચિંતા છે કે ગરીબી, તેમનો વ્યવસાય, વધુ પેઢીઓના લોકો એક જ ઘરમાં રહેતા હોવાના તેમજ ગીચ મકાનો જવાબદાર હશે. જેને અમે ચકાસી રહ્યા છીએ.”