કોવિડ-19 સાથે ઇંગ્લેન્ડની હોસ્પિટલોમાં દાખલ થતા દર્દીઓની સંખ્યામાં એક અઠવાડિયામાં 24 ટકાનો વધારો થયો છે.
એનએચએસ ઈંગ્લેન્ડ દ્વારા તા. 20ના રોજ પ્રકાશિત થયેલ ડેટા મુજબ દેશમાં 5,726 કોવિડ-19 દર્દીઓ નોંધાયા હતા જે તે અગાઉના સપ્તાહે 4,602 હતા. હાફ ટર્મ હોલીડે અને જ્યુબિલી વીકએન્ડમાં લોકોના વધેલા મિલનથી વાઇરસને વધુ ફેલાયો હોવાનું મનાય છે. પરંતુ રેલ હડતાલને કારણે વધુ લોકો ઘરે રહેતા તેમાં રોક લાગશે એમ જણાય છે.
રાષ્ટ્રીય સર્વેક્ષણ મુજબ છેલ્લા સાત દિવસમાં ચહેરો ઢાંકનાર લોકોનું પ્રમાણ 25 મે અને 5 જૂન વચ્ચે 48 ટકા હતું, જે જાન્યુઆરીના ઓમિક્રોન વેવ વખતે લગભગ 95 ટકા હતું. માત્ર 36 ટકા લોકો કોવિડ-19ની અસર વિશે ચિંતિત હતા.
મોટાભાગના લોકોમાં હવે ચેપ, રસીકરણ અથવા બંને દ્વારા થોડી રોગપ્રતિકારક શક્તિ વિકસી હોવાથી તેઓ ગંભીર રીતે બીમાર થવાની શક્યતા ઓછી છે. તેથી પ્રતિબંધો લાદવાની કોઈ જરૂર દેખાતી નથી.