કોવિડ-19ના કારણે હોસ્પિટલમાં દાખલ થતા દ4દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે અને શિયાળામાં કોવિડના તરંગનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે અસ્વસ્થતા અનુભવતા લોકોને તેમના વૃદ્ધ સગાં સંબંધીઓને મળવાનું ટાળવા માટે વિનંતી કરવામાં આવી છે.
ઇંગ્લેન્ડમાં કોરોનાવાઇરસ માટે પોઝીટીવ જાહેર થનારા અને હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓની સંખ્યા ઓગસ્ટની શરૂઆતથી તેના ઉચ્ચતમ સ્તરે વઘી છે અને એક અઠવાડિયામાં તે લગભગ 40 ટકા વધી છે. યુકે હેલ્થ સિક્યુરિટી એજન્સીએ જણાવ્યું હતું કે સમગ્ર ઈંગ્લેન્ડમાં એક સપ્તાહમાં શંકાસ્પદ પ્રકોપની સંખ્યામાં 60 ટકાનો વધારો થયો છે. કોવિડ માટે હોસ્પિટલમાં દાખલ થવાનો દર સાઉથ વેસ્ટ ઇંગ્લેન્ડમાં સૌથી વધુ પ્રતિ 100,000ની વસ્તીએ 16.67 હતો, જે સપ્ટેમ્બરના મધ્યથી 250 ટકાનો વધારો હતો.
બુધવારે સવારે કોવિડ ધરાવતા કુલ 9,631 લોકો હોસ્પિટલમાં હતા જે એક સપ્તાહ અગાઉની સરખામણીમાં 37 ટકા વધારે છે. ઓમિક્રોન BA.4 અને BA.5 સબવેરિયન્ટ્સને કારણે તરંગની ટોચ પર જુલાઈના મધ્યમાં દર્દીઓની સંખ્યા 14,000થી વધુ થઈ ગઈ હતી. સપ્ટેમ્બરના મધ્ય સુધી તે સંખ્યા સતત ઘટતી હતી.
UKHSAના ચિફ મેડિકલ એડવાઇઝર ડૉ. સુસાન હોપકિન્સે જણાવ્યું હતું કે ‘’નવીનતમ વધારો ચિંતાજનક છે અને કેસો અને હોસ્પિટલમાં દાખલ થવાના દર “મહિનાઓમાં ઉચ્ચતમ સ્તર” પર છે. હોસ્પિટલો અને કેર હોમ્સમાં પણ રોગચાળો વધી રહ્યો હતો.”
કોવિડથી હોસ્પિટલમાં દાખલ થવાનો દર 2 ઓક્ટોબરથી અઠવાડિયામાં 100,000 લોકો દીઠ 10.8 હતો, જે અગાઉના સપ્તાહે 7.5 હતો. આ દર 85 અને તેથી વધુ વયના લોકોમાં સૌથી વધુ 100,000 દીઠ 132.3 છે. તે એક સપ્તાહ અગાઉ 80.1 થી વધુ હતો.
ONS દ્વારા ગયા અઠવાડિયે પ્રકાશિત થયેલા આંકડા મુજબ ઈંગ્લેન્ડમાં ચેપ વધી રહ્યો છે. 17 સપ્ટેમ્બરના અઠવાડિયામાં ખાનગી પરિવારોમાં કોવિડ પોઝીટીવ લોકોની સંખ્યા 857,400 હતી. જ્યારે ઉનાળાના BA.4/BA.5 વેવ દરમિયાન ઈંગ્લેન્ડમાં ચેપની સંખ્યા 3.1 મિલિયનની ટોચ પર હતી.