આ શિયાળામાં લાખો લોકોને કોવિડ-19 રોગચાળા સામે રક્ષણ આપવાની યોજનાના ભાગરૂપે ઇંગ્લેન્ડ અને વેલ્સમાં NHS સ્ટાફને પ્રથમ કોવિડ બૂસ્ટર રસી આપવામાં આવી રહી છે. આજ રીતે 50થી વધુ વયના, હેલ્થ કેર વર્કર્સ અને અમુક પુખ્ત વયના લોકોને પણ બૂસ્ટર રસીનો ડોઝ આપવાનું આ સપ્તાહથી શરૂ થયું છે.
લાયક લોકોએ રસીના બીજા ડોઝ પછી ઓછામાં ઓછા છ મહિના પછી બૂસ્ટર ડોઝ મેળવવો જોઈએ. આ માટે ફાઇઝરનો એક ડોઝ અથવા મોર્ડેના રસીનો અડધો ડોઝ લેવાની ભલામણ કરવામાં આવી છે. રસી લેવા માટે જેમનો વારો આવશે ત્યારે તેમનો સંપર્ક કરવામાં આવશે. પરંતુ ગંભીર રીતે નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા ઘણા લોકો, જેમને તેમની પ્રાથમિક સુરક્ષા વધારવા માટે ત્રીજા ડોઝની જરૂર છે, તેઓ હજુ પણ રસી માટે આમંત્રણની રાહ જોઈ રહ્યા છે.
એનએચએસ ઈંગ્લેન્ડે કહ્યું હતું કે ‘’બ્લડ કેન્સર ધરાવતા લોકો અથવા અંગ દાન મેળવનાર લોકો સહિત તમામ પાત્ર લોકોનો ટૂંક સમયમાં સંપર્ક કરવામાં આવશે. આ ત્રીજી માત્રાનો નિર્ણાયક સમય છે. કેટલાક કેર હોમ્સ તા. 16ને ગુરૂવારે ઇંગ્લેન્ડમાં, તે પછી વેલ્સમાં અને સ્કોટલેન્ડમાં સોમવારે તા. 20ના રોજ બૂસ્ટર રસી આપવાનું શરૂ કરાયું છે. નોર્ધર્ન આયર્લેન્ડ આ મહિનાના અંતમાં તેનો બૂસ્ટર કાર્યક્રમ શરૂ કરશે.
સાઉથ લંડનની ક્રોયડન યુનિવર્સિટી હોસ્પિટલમાં મેટરનીટી સપોર્ટ વર્કર અને વિદ્યાર્થી કેથરિન કારગિલ બૂસ્ટર જેબ મેળવનાર પ્રથમ વ્યક્તિઓમાંની એક હતી. તેણીએ કહ્યું હતું કે “હું ઉત્સાહિત છું, હું આની રાહ જોતી હતી. અત્યાર સુધી મને કોવિડ થયો નથી. પણ આ રસી મેળવવાના કારણે જો મને કોવિડ થશે તો પણ હું ગંભીર રીતે બીમાર પડીશ નહિં.”
એ એન્ડ ઇ કન્સલ્ટન્ટ ડો ક્રિસ બ્લેકલી કહે છે કે ‘’કોવિડ દર્દીઓની વધતી સંખ્યા જોઈ રહ્યો છું. ડિસેમ્બરમાં પ્રથમ રસીનો ડોઝ મળ્યા બાદ લોકોની રોગપ્રતિકારકતા ઘટી રહી છે. બૂસ્ટર ડોઝ આપણને દૈનિક ધોરણે વધતો આત્મવિશ્વાસ આપે છે.”
સરકારના વેક્સીન સલાહકારોએ જણાવ્યું હતું કે ‘’તમામ કોવિડ રસીઓના પ્રથમ બે ડોઝથી મળેલું રક્ષણ ઘટી રહ્યું હોવાના પ્રારંભિક સંકેતો મળી રહ્યા છે. સૌથી સંવેદનશીલ જૂથો ખાસ કરીને જોખમમાં છે.’’
ધ જોઇન્ટ કમીટી ઓન વેક્સીનેશન એન્ડ ઇમ્યુનાઇઝેશન કમિટિ ((JCVI) એ જણાવ્યું હતું કે ‘’ફલૂની રસી સાથે કોવિડ બૂસ્ટર કાર્યક્રમ નિર્બળ જૂથોના લોકોનું ઉચ્ચ સ્તરનું રક્ષણ જાળવવાની ખાતરી સાથેનો સાવચેતીભર્યો અભિગમ હતો.’’
ઇંગ્લેન્ડમાં વસતા અને વાયરસ માટે સૌથી સંવેદનશીલ જૂથોમાંના એક એવા કેર હોમના રહેવાસીઓને નવેમ્બર માસની શરૂઆત પહેલા રસી આપવામાં આવશે. NHS ઇંગ્લેન્ડનું કહેવું છે કે, અગ્રતા ધરાવતા જૂથોના લગભગ 4.5 મિલિયન લોકો આગામી સપ્તાહમાં બૂસ્ટર રસી માટે પાત્ર બનશે. વધુ 25 મિલિયન લોકોનો સંપર્ક યોગ્ય સમયે કરવામાં આવશે. ફાર્મસીઓ, જીપી પ્રેક્ટિસ અને સ્થાનિક રસીકરણ કેન્દ્રો આગામી દિવસોમાં બુસ્ટર ડોઝ આપવાનું શરૂ કરશે.
લોકોને બૂસ્ટર જબ મેળવવા સ્થાનિક જીપીની આગેવાનીવાળી સાઇટ પરથી કોલ અથવા ટેક્સ્ટ મળશે અથવા નેશનલ બુકિંગ સર્વિસ દ્વારા આગામી સપ્તાહની શરૂઆતથી આમંત્રણ મળશે.
કોવિડ બૂસ્ટર જેબ માટે કોણ પાત્ર છે?
કોવિડ બૂસ્ટર જેબ માટે પુખ્ત વયના વૃદ્ધ લોકો માટેના રેસિડેન્શીયલ કેર હોમમાં રહેતા લોકો, 50 વર્ષ કે તેથી વધુ વયના તમામ પુખ્ત વયના લોકો, ફ્રન્ટલાઈન હેલ્થ એન્ડ સોસ્યલ કેર કામદારો, 16 થી 49 વર્ષની વયના નબળી આરોગ્યની સ્થિતિ ધરાવતા લોકો, કેર વર્કર્સ અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો સાથે એક જ ઘરમાં રહેતા લોકો પાત્રતા ધરાવે છે.