હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદે આગામી મહિનાની શરૂઆતમાં સૌથી નબળા જૂથોના લોકોને ત્રીજી અથવા બૂસ્ટર કોવિડ વેક્સિન આપવા માટે પહેલેથી જ યોજના બનાવી હોવાની જાહેરાત કરી હતી. પરંતુ ઑક્સફર્ડ વેક્સિન ગ્રુપના વડા પ્રોફેસર સર એન્ડ્રુ પોલાર્ડે કહ્યું હતું કે ‘’આ વેક્સીન ત્યાં સૌથી વધુ અસર કરી શકે છે જ્યાં તેની જરૂર છે અને તેનો વિદેશમાં રસી વગરના લોકોને બચાવવા માટે ઉપયોગ થવો જોઇએ. યુકેના લોકોએ હાલમાં ગભરાવાનું કોઈ કારણ નથી.
જાવિદે કહ્યું હતું કે ‘’અમે જોઇન્ટ કમિટિ ઓન વેક્સિનેશન એન્ડ ઇમ્યુનાઇઝેશન (JCVI)ની અંતિમ સલાહની રાહ જોઇ રહ્યા છીએ. અમારી યોજના ફલૂની રસીની સાથે જ બુસ્ટર શોટ પવાની છે. જે ખાસ કરીને 50થી વધુ વયના લોકોને એક જ સમયે આપવામાં આવશે.”
વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે લોકડાઉન દરમિયાન ગયા વર્ષે અદૃશ્ય થઈ ગયેલ ફ્લુ વાઇરસ આ વર્ષે મોટા પ્રમાણમાં પુનરાગમન કરશે. ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકા રસી બનાવનારી ટીમનું નેતૃત્વ કરનાર પ્રોફેસર પોલાર્ડે કહ્યું હતું કે કોવિડ બૂસ્ટર આપવું કે નહીં તે અંગેના નિર્ણયો “વૈજ્ઞાનિક રીતે લેવાવા જોઈએ.’’