કોરોના સંક્રમણના બીજા મોજાં વચ્ચે એશિયનો, અશ્વેતો, વંશીય લઘુમતિઓને અપ્રમાણસર માઠી અસર થવાનું ચાલુ છે. ઇન્ટેન્સીવ કેર નેશનલ ઓડીટ અને રિસર્ચ સેન્ટરે એપ્રિલમાં બહાર પાડેલા આંકડા પ્રમાણે ઇંગ્લેન્ડ વેલ્સ અને નોર્ધર્ન આયર્લેન્ડમાં ઇન્ટેન્સીવ કેર યુનિટમાં દાખલ કોરોનાના 2,000 જેટલા દરદીમાંથી 35 ટકા બિનગોરા હતા.
બીજી તરફ એક સંશોધન સૂચવે છે કે શ્યામ અને સાઉથ એશિયાના દર્દીઓને રોગના જુદા જુદા તબક્કે શ્વેત દર્દીઓ કરતા કોવિડ-19ની વધુ ગંભીર અસર થાય છે અને તે દર્દીઓને ‘મૃત્યુનું જોખમ વધારે’ હોય છે. હોસ્પિટલના 1,800 દર્દીઓના અધ્યયનમાં, શ્યામ લોકોનું કોવિડ-19 હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ વધારે હતું જ્યારે સાઉથ એશિયાના લોકોનું મરવાનું પ્રમાણ વધુ હતું.
ઓફિસ ફોર નેશનલ સ્ટેટીસ્ટીક્સ એન્ડ પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડ સહિતના છેલ્લા છ માસના વિભિન્ન અહેવાલ પ્રમાણે વંશીય લઘુમતિઓને જોખમ વધેલું છે. ત્યારે કોરોના સંક્રમણના બીજા મોજાં વચ્ચે પણ આ સમુદાયની સ્થિતિ અગાઉ જેવી છે. આવા જોખમને ઘટાડવાની ભલામણો કરાઇ છે.
ઇંગ્લેન્ડ, વેલ્સ, નોર્ધર્ન આયર્લેન્ડમાં આઇસીયુમાં દાખલ (31, ઓગષ્ટ સુધીમાં) 10877 દરદીઓમાંથી 33.9 ટકા દરદી બિનગોરા હતા. એક સપ્ટેમ્બર પછી દાખલ 527 દરદીમાંથી 38.3 ટકા દરદી બિનગોરા હતા. જાતિ અને વયની દૃષ્ટિએ જોવામાં આવે તો એપ્રિલમાં ગંભીર દરદીઓની વય 61 વર્ષ અને પહેલી સપ્ટેમ્બર પછી આ વય 60 વર્ષ રહ્યાનું જણાયું છે.
સપ્ટેમ્બરના પ્રારંભં કેસો વધ્યા ત્યારે આરોગ્ય પ્રધાન મેટ હેનકોકે જણાવ્યું હતું કે, 25થી ઓછી વયજૂથમાં આમ બની રહ્યું છે. જોકે, આ સમયગાળામાં આઇસીયુમાં દાખલ દરદીઓનું વયજૂથ 60 વર્ષ જ હતું. પુરૂષ દરદીને મોતનું જોખમ 31 ઓગષ્ટ સુધીમાં 70.1 ટકા અને તે પછી 71.3 ટકા રહ્યું છે. 30થી 40 બોડીમાસ ઇન્ડેક્સવાળા મેદસ્વી લોકોને જોખમની ટકાવારી 31 ઓગષ્ટ સુધીમાં 31.4 ટકા અને તે પછી થોડી વધીને 34.8 ટકા રહી છે.
સાઉથ-ઇસ્ટ લંડનની કિંગ્સ કૉલેજ હોસ્પિટલમાં કરવામાં આવેલુ આ અધ્યયન સૂચવે છે કે શરીરની બાયોલોજી, ગરીબી અથવા નબળા આરોગ્ય કરતાં વધુ મહત્વપૂર્ણ પરિબળ હતું. આથી સંશોધનકારો કહે છે કે વિવિધ વંશીય જૂથોના લોકોની અલગ રીતે સારવાર કરવાની જરૂર પડી શકે છે. માર્ચ અને જૂન વચ્ચે હોસ્પિટલમાં દાખલ થયેલા 1,827 પુખ્તોમાંથી, 872 ઇનર લંડનના રહેવાસીઓ હતા. તેમાંથી 48% શ્યામ, 33% શ્વેત, 12% મિશ્ર વંશીય અને 5.6% એશિયન વંશીય હતા. જેમાંના મોટાભાગના દક્ષિણ એશિયાના લોકો હતા. શ્યામ અને મિશ્ર વસ્તીના દર્દીઓ સમાન વિસ્તારમાં રહેતા શ્વેત લોકોની તુલનામાં ત્રણ ગણી સંખ્યામાં કોવિડ-19ને કારણે હોસ્પિટલમાં દાખલ થતા હતા. પરંતુ દક્ષિણ એશિયાના દર્દીઓમાં પ્રમાણ વધારે ન હતું, પરંતુ જે દાખલ થતા હતા તેમનું હોસ્પિટલમાં મૃત્યુ થવાનું જોખમ વધારે હતું અને ICUની જરૂર પડતી હતી. એથનીક લઘુમતીના દર્દીઓ શ્વેત દર્દીઓ કરતા 10થી 15 વર્ષ નાના હતા અને નબળા સ્વાસ્થ્યની અને ખાસ કરીને ટાઇપ 2 ડાયાબિટીઝ ધરાવતા હતા.
કિંગ્સ કોલેજ હૉસ્પિટલના કન્સલ્ટન્ટ કાર્ડિયોલોજિસ્ટ પ્રો. અજય શાહે જણાવ્યું હતું કે આ તારણો “આઘાતજનક” છે. અમને વિવિધ વંશીય જૂથો માટે વિવિધ સારવારની વ્યૂહરચનાની જરૂર પડી શકે છે. ઇંગ્લેન્ડના મુખ્ય તબીબી અધિકારી ક્રિસ વ્હ્ટીએ જણાવ્યું હતું કે હવે પુરાવા સ્પષ્ટ થઈ ગયા છે કે “શ્યામ અને લઘુમતી વંશીય જૂથોના લોકો કોવિડ-19 થી વધુ ગંભીર રીતે પ્રભાવિત થાય છે.”
બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશનના સહયોગી તબીબી નિયામક ડૉ. સોન્યા બાબુ-નારાયણે જણાવ્યું હતું કે BAME બેકગ્રાઉન્ડના લોકોને હાઈ બ્લડ પ્રેશર અને ટાઇપ -2 ડાયાબિટીસ જેવી હૃદય અને પરિભ્રમણની સમસ્યાઓ હોવાની સંભાવના છે, જેનાથી તેમનું જોખમ વધે છે.
કોરોનાના જોખમને રાતોરાત દૂર ના કરી શકાય તે સામાન્ય રીતે સૌ કોઇ દ્વારા સ્વીકારાયું હોવા છતાં સંવેદનશીલ વર્ગના બચાવ માટે કામ કરવામાં સરકારની ધીમી ગતિની સર્વત્ર ટીકા થઇ રહી છે. આરોગ્ય અધિકારીઓ તથા વિસ્તારીય નેતાઓની લાંબા સમયની રજૂઆત બાદ ઓછા પગારવાળા તથા આઇસોલેશનમાં રહેલા લોકોને 500 પાઉન્ડનું સ્ટેહોમ ચૂકવણું હજુ ગયા મહિનાથી જ અમલી બનાવાયું છે. વંશીય લઘુમતિઓને કેવી રીતે બચાવવી તે અંગેની ભલામણ પણ સરકારે હજુ પ્રસિદધ કરી નથી.