કોવિડ રોગચાળા દરમિયાન ગંભીર રીતે બીમાર સંબંધીની મુલાકાત લેવા માટે 25 એપ્રિલ 2020ના રોજ માન્ચેસ્ટરની વિધનશૉ હોસ્પિટલના ઇન્ટેન્સિવ કેર યુનિટ (ICU)ની ગેરકાયદેસર મુલાકાત લેવાનો આરોપ ધરાવતા ટ્રેઇની જીપી અશબલ ચૌધરીની નોકરી જાળવી રાખવાનો ટ્રાઇબ્યુનલે નિર્ણય લીધો છે.
30 વર્ષના ટ્રેઇની જીપી અશબલ ચૌધરી મેડિકલ સ્ક્રબ્સ અને સ્ટેથોસ્કોપ પહેરીને તેમના બીમાર સ્વજનની મુલાકાત લેવા ગયા હતા. તે વખતે અગાઉથી મેળવાયેલી મંજૂરી વગર દર્દીઓના પ્રિયજનોની મુલાકાત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ડૉ. અશબલ ચૌધરીએ દાવો કર્યો હતો કે તે જાણતો ન હતો કે તે લોકડાઉન નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યો છે.
હોસ્પિટલના સ્ટાફે ચૌધરીને ICU ટીમના સભ્ય માન્યા હતા. તેમની ગેરકાયદેસર મુલાકાત દરમિયાન ડૉ. ચૌધરીએ બ્લડ ટેસ્ટના રીઝલ્ટ્સને એક્સેસ કરી દર્દી સાથે તેની પથારી પર વાત કરી ભાવિ સારવાર વિશે સર્જનો સાથે સંપર્ક કર્યો હતો. હકીકતની ખબર પડ્યા બાદ પોલીસ અને જનરલ મેડિકલ કાઉન્સિલને જાણ કરાઇ હતી.
મેડિકલ પ્રેક્ટિશનર્સ ટ્રિબ્યુનલ સર્વિસ (MTPS) ખાતે, ચૌધરીને ગંભીર વ્યાવસાયિક ગેરવર્તણૂક માટે દોષિત ઠેરવવામાં આવ્યા હતા. ડૉ. ચૌધરી નોર્થ માન્ચેસ્ટર જનરલ હોસ્પિટલમાં કામ કરતા હતા. તેણે સુનાવણીમાં કહ્યું હતું કે તેને અગાઉ સ્ટેપિંગ હિલ ખાતે તેના સંબંધીની મુલાકાત લેવાની મંજૂરી આપવામાં આવી હતી. પણ તેને જાણ ન હતી કે વિધનશૉ હોસ્પિટલના લોકડાઉન નિયમો વધુ કડક છે.