રેસીઝમ, ભેદભાવ અને સામાજિક અસમાનતા બ્રિટનના શ્યામ, એશિયન અને લઘુમતી (BAME) પરના કોરોનાવાયરસના અપ્રમાણસર પ્રભાવ પાછળના પરિબળો હોઈ શકે છે એમ યુકે સરકાર દ્વારા પ્રકાશિત થનાર પણ લીક થઇ ગયેલા અહેવાલમાં જણાયું છે. ઐતિહાસિક જાતિવાદનો અર્થ એ થઈ શકે છે કે લોકો ઓછી માત્રામાં સારવાર લઇ શકે અથવા અથવા વધુ સારા રક્ષણાત્મક ઉપકરણો (પી.પી.ઇ.) માંગે છે.
“BAME સમુદાયો પર COVID-19ના અસમાન પ્રભાવને સામાજિક અને આર્થિક અસમાનતા, રેસીઝમ, ભેદભાવ, ઓક્યુપેશનલ રીસ્ક અને રોગની તીવ્રતામાં વધારો કરતી પરિસ્થિતિઓ ડાયાબિટીઝ, હાયપરટેન્શન, સ્થુળતા અને અસ્થમા જેવા અનેક પરિબળો દ્વારા સમજાવી શકાય છે એમ ડ્રાફ્ટ રીપોર્ટમાં જણાવાયું હતું.
જીવલેણ વાયરસથી કેટલાક સમુદાયોને ઉંચુ જોખમ હોવાનુ જણાવતા દસ્તાવેજને પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડ (પીએચઇ) દ્વારા કરવામાં આવેલી વ્યાપક સમીક્ષા સાથે જોડવામાં આવ્યો હતો, જે આ અઠવાડિયાની શરૂઆતમાં બહાર આવ્યો હતો. વિપક્ષે તેને પ્રકાશીત નહિં કરવાના નિર્ણયને “કૌભાંડ” ગણાવ્યું હતુ. જ્યારે ડોકટરોના યુનિયનો સહિતના અન્ય જૂથોએ તેના ઝડપી પ્રકાશનની માંગ કરી છે.
‘’જ્યારે BAME સમુદાયને વાયરસથી એટલું બધું અપ્રમાણસર નુકશાન સહન કરવું પડ્યું છે અને વૈશ્વિક સ્તરે જાતિગત અસમાનતા અંગે આક્રોશ ફેલાયેલો છે ત્યારે મને તે નથી સમજાતું કે સરકારે આવા સમયે સંપૂર્ણ અહેવાલ કેમ બહાર પાડ્યો નથી” એમ બ્રિટીશ મેડિકલ એસોસિએશન (બીએમએ)ના કાઉન્સિલ ચેર ડૉ. ચંદ નાગપૌલે જણાવ્યું છે. PHE એ કહ્યું છે કે તે આગલા અઠવાડિયે સમીક્ષા પ્રકાશિત કરનાર છે.
“ભલામણો વિના પગલાં લઇ શકાતા નથી. તેને આવતા અઠવાડિયે પ્રકાશિત થનાર છે અને જે લોકો તેના અસ્તિત્વને નકારી કાઢે છે તેમણે જનતાની માફી માંગવી પડશે’’ એમ એડિનબરા યુનિવર્સિટીના કોલેજ ઓફ મેડિસિન અને વેટરનરી મેડિસિનના પ્રોફેસર પ્રો. ભોપાલે જણાવ્યું હતું. ભારતીય મૂળના આ એકેડેમિકે આ અગાઉ ખુલાસો કર્યો હતો કે તેમણે લગભગ 69 પાનાના ડ્રાફ્ટની પીઅર-સમીક્ષા કરી હતી, જેમાં હજારો વ્યક્તિઓ અને સંગઠનોના પુરાવા છે. યુકેના હેલ્થ સેક્રેટરી મેટ હેનકોક દ્વારા ગત સપ્તાહે હાઉસ ઑફ કૉમન્સમાં તે રીપોર્ટને રજૂ કરવામાં આવ્યો હતો.
વિપક્ષના લેબર સાંસદ ડેવિડ લેમ્મીએ જણાવ્યું હતું કે “લોકો કેમ પરેશાન છે તેમાં કોઇ જ આશ્ચર્ય નથી કેમ કે, આ એક ખૂબ જ ગંભીર બાબત છે, આંકડા ભયાનક છે, ફરીથી, તમે સરકારમાં છો, તો કાંઇક કરો… લોકોના જીવ બચાવો.”
પીએચઇ રિપોર્ટના મુખ્ય તારણોએ સંકેત આપ્યો છે કે વૃદ્ધ ભારતીય મૂળના પુરુષો ઇંગ્લેન્ડમાં કોરોનાવાયરસથી થતા મૃત્યુના ઉચ્ચ જોખમ કેટેગરીમાં હતા, જ્યારે શ્વેત બ્રિટીશ લોકોની તુલનામાં ભારતીય, પાકિસ્તાની, અન્ય એશિયન, કેરેબિયન, અન્ય શ્યામ અને ચીની લોકો ઉપર 10થી 50 ટકા સુધીનું મૃત્યુનું જોખમ છે. બાંગ્લાદેશી મૂળના લોકોનો મૃત્યુ દર શ્વેત બ્રિટીશની તુલનામાં બે ગણા, શ્યામ લોકોનો દર 3.9 ગણા અને એશિયન લોકોનો દર 2.5 ગણા મૃત્યુ પામ્યા હોવાનું જાણવા મળ્યું છે.
આ પરિણામથી સાંસદો તેમજ બ્રિટિશ એસોસિએશન ઑફ ફિઝિશ્યન્સ ઑફ ઈન્ડિયન-ઓરિજન (BAPIO) જેવા જૂથોમાં વ્યાપક પ્રતિક્રિયાઓ પેદા થઈ હતી અને સમીક્ષાઓ સાથે સંબંધિત કોઈપણ ભલામણો અથવા સલામતીનાં પગલાંના અભાવ પર ચિંતા વ્યક્ત કરી હતી.