યુ.કે.ના વૈજ્ઞાનિકો “ચેલેન્જ ટ્રાયલ્સ” તરીકે ઓળખવામાં આવતા નવા પ્રયોગ તરફ આગળ વધી રહ્યા છે જેમાં સ્વસ્થ સ્વયંસેવકોના શરીરમાં ઇરાદાપૂર્વક નોવેલ કોરોનાવાયરસ દાખલ કરી તેમને ચેપગ્રસ્ત કરવામાં આવશે. જેથી જાણી શકાય કે તેમને આપવામાં આવેલી કોવિડ-19ની રસી તેમને કોઈ સુરક્ષા આપે છે નહિ.
‘ધ ફાઇનાન્સિયલ ટાઇમ્સ’ના રિપોર્ટ મુજબ તેના પ્રકારની આ પહેલી અજમાયશમાં વોલંટીયર્સને સૌપ્રથમ અનામી પ્રાયોગિક રસી આપવામાં આવશે અને તેના લગભગ એક મહિના પછી સાર્સ-કોવ-2 વાયરસ તેમના શરીરમાં દાખલ કરવામાં આવશે જે કોવિડ-19 માટે કારણરૂપ છે. સરકારના ભંડોળ દ્વારા શરૂ કરાયેલ અભ્યાસ જાન્યુઆરીમાં શરૂ થવાની ધારણા છે અને ઇસ્ટ લંડનના વ્હાઇટચેપલમાં મોટા સલામત સ્થળે આ અભ્યાસ હાથ ધરવામાં આવે તેવી સંભાવના છે.
યુ.એસ. આધારિત જૂથ વન ડે સુનર દ્વારા યુ.કે.માં આ પડકારજનક અધ્યયન માટે આશરે 2,000 સ્વયંસેવકોએ સાઇન કરાયા છે અને તેમને આગામી ટ્રાયલ્સ માટે થોડાક હજાર પાઉન્ડ ચૂકવવામાં આવશે. આ પ્રોજેક્ટના એકેડેમિક લીડર ઇમ્પીરીયલ કોલેજ લંડન છે, અને તેનું સંચાલન એચવીવો કરશે, જે લંડનની ક્વીન મેરી યુનિવર્સિટીનું સ્પિનઆઉટ છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટી પણ સમાન ચેલેન્જ ટ્રાયલ પર વિચારણા કરનાર છે.
આ અજમાયશ માટે યુકે મેડિસીન એન્ડ હેલ્થકેર પ્રોડક્ટ્સ રેગ્યુલટરી એજન્સી (એમએચઆરએ) અને એક સ્વતંત્ર સંશોધન સમિતિની મંજૂરીની જરૂર પડશે. કેમ્બ્રિજ યુનિવર્સિટીના ચેપી રોગોના ક્લિનિકલ લેક્ચરર ડો. ક્લેર વેડિંગ્ટને જણાવ્યું હતું કે ‘’આ ચેલેન્જ ટ્રાયલ રસીના વિકાસને વેગ આપવા માટે વેલ એસ્ટાબ્લિશ્ડ છે.’’