વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કોરોના વાયરસની પ્રવર્તમાન સ્થિતિ વચ્ચે રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે વીડિયો કોન્ફરન્સ યોજી હતી. મોદીએ 10 રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે મુલાકાત કરીને વર્ચ્યુઅલ બેઠકમાં દેશના વિવિધ રાજ્યોમાં કોરોના સંક્રમણની કામગીરીની સમીક્ષા કરી હતી.
તેમણે આંધ્ર પ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, પંજાબ, બિહાર, ગુજરાત, તેલંગાણા અને ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાનો સાથે વર્ચ્યુઅલ બેઠકમાં ચર્ચા વિચારણા કરી હતી. આ બેઠકમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ પણ હાજર રહ્યા હતા.
બેઠકમાં જે 10 રાજ્યોના મુખ્યપ્રધાનો હાજર રહ્યા હતા તે રાજ્યો વસ્તીની દ્રષ્ટિએ સૌથી વધુ ગીચતા ધરાવતા હોવાથી ત્યાં કોરોનાનું સંક્રમણ ઘટાડવા પર વિચાર વિમર્શ કરાયો હતો. કોરોના વૈશ્વિક મહામારીના પ્રારંભથી અત્યાર સુધીમાં વડાપ્રધાનની આ સાતમી વીડિયો કોન્ફરન્સ રહી હતી જેમાં તેમણે રાજ્યોના સીએમ સાથે મુલાકાત કરી હતી. અનલોક 3 બાદ આ સૌપ્રથમ વીડિયો બેઠક રહી છે.
ભારતમાં કોરોના વાયરસ સંક્રમણના કેસોમાં આંશિક ઘટાડો નોંધાયો છે અને મંગળવારે દૈનિક પોઝિટિવ કેસનો આંકડે 55,000 નીચે રહ્યો હતો તેમજ 871 મોત થયા હતા. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના મતે વિતેલા ચાર દિવસમાં સતત પોઝિટિવ કેસોનો આંક 60,000થી વધુ નોંધાયો હતો. દેશમાં કુલ પોઝિટિવ કેસ 22.68 લાખ થયા છે અને 15,83,489 દર્દીઓ સ્વસ્થ થઈ ગયા હોવાથી રિકવરી રેટ 69.80 થયો છે.