વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને (WHO) કોવિડ-19 હવે વૈશ્વિક મહામારી નથી રહી હોવાની જાહેરાત કરી છે. જોકે, સાથે સંસ્થાન દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું હતું કે, તેનો અર્થ એ નથી કે કોવિડ-19 ખતમ થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે, WHOએ 30 જાન્યુઆરી, 2020નાં રોજ કોવિડને વૈશ્વિક આરોગ્ય સંકટ જાહેર કર્યું હતું. આ અંગેનો નિર્ણય ઈમરજન્સી કમિટીની 15મી બેઠકમાં લેવામાં આવ્યો હતો.
WHOના ડાયરેક્ટર જનરલ ડો. ટેડ્રોસે કોવિડ-19 અને વિશ્વ આરોગ્યનાં મુદ્દા પર મીડિયાને જણાવ્યું કે, “હજુ પણ હજારો લોકો આઇસીયુમાં જીવન માટે લડી રહ્યા છે. કોરોના ફેલાયો ત્યારથી ત્રણ વર્ષમાં દુનિયા સંપૂર્ણ બદલાઈ ગઈ છે. આ ગાળામાં લગભગ 70 લાખ લોકોનાં મૃત્યુ થયાં છે. જોકે, સાચો આંકડો બે કરોડની આસપાસ હોય શકે છે, જે અધિકૃત અંદાજ કરતાં ત્રણ ગણો વધુ છે.” તેમણે ચેતવણી આપી હતી કે આ વાઇરસ હજુ પણ મોટો પડકાર છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ચીનમાં ડિસેમ્બર, 2019માં કોરાનાનો પ્રથમ કેસ નોંધાયો હતો. અધિકારીઓનાં જણાવ્યા પ્રમાણે જાન્યુઆરી 2021માં દર સપ્તાહે એક લાખ લોકોનાં મૃત્યુ થયા હતા, જે ઘટીને 24 એપ્રિલનાં રોજ 3,500 થઈ ગયા હતા.