વિશ્વભરમાં કોરોના વાઈરસના સંક્રમણે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. સંક્રમણ અત્યાર સુધીમાં કુલ 185 દેશમાં ફેલાઈ ચુક્યું છે. શનિવાર સવાર સુધીમાં કુલ કેસનો આંક 2,75,997 થયો છે અને 11,402 લોકોના મોત થયા છે. સારી વાત એ છે કે 91,952 લોકો સાજા થયા છે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઈક પેન્સનો એક સ્ટાફર પણ સંક્રમિત થયો છે. યુરોપનું વુહાન બની ચુકેલા ઈટાલીમાં અત્યાર સુધીમાં કુલ 4032 લોકોએ જીવ ગુમાવ્યા છે.
ઈરાનમાં કોરોનાનો પ્રકોપ જારી છે. ઈરાનમાં મૃત્યુઆંક વધીને 1,433 થઈ ગયો છે ત્યારે 19,644 લોકો વાઈરસથી સંક્રમિત થયા છે. ઈટાલી અને ઈરાન સાથે સ્પેનમાં પણ કોરોના વાઈરસની ગંભીર અસર જોવા મળી છે. સ્પેનમાં કોરોનાને લીધે અત્યાર સુધીમાં 1093 લોકોના મોત થયા છે. જ્યારે 21,571 લોકો સંક્રમિત થયા છે. દક્ષિણ કોરિયામાં પણ મૃત્યુઆંક વધીને 102 થયો છે અને સંક્રમિતોની સંખ્યા 8,799 થઈ છે.
અમેરિકામાં કોરોના મોટી આફત બન્યો છે. અમેરિકામાં વધુ 19 લોકોના મોત થતા કુલ મૃત્યુઆંક 275 થયો છે અને સંક્રમિતોની સંખ્યા 19774 થઈ છે.પાકિસ્તાનમાં કોરોના વાઈરસથી સંક્રમિતોની સંખ્યા 500નો આંક વટાવી ગઈ છે ત્યારે પ્રધાનમંત્રી ઈમરાન ખાને રાષ્ટ્રવ્યાપી લોકડાઉન કરવાનો ઈન્કાર કર્યો છે. પાકિસ્તાનમાં અત્યાર સુધીમાં કુલ 3 લોકોના મોત થયા છે અને 501 જેટલા કેસ નોંધાયા છે. સિંધ પ્રાંતમાં સૌથી વધારે 252 કેસ સામે આવ્યા છે.