ઈંગ્લેન્ડ અને નોર્ઘર્ન આયર્લેન્ડમાં કોવિડ કેસોમાં વધારો થવા સાથે યુકે આ વર્ષે ત્રીજા કોવિડ તરંગમાં પ્રવેશી શકે છે. પરંતુ આ વલણ પોઝીટીવ ટેસ્ટમાં ‘નાનો વધારો’ દર્શાવે છે જે રાહતના સમાચાર છે.
ઓફિસ ફોર નેશનલ સ્ટેસ્ટિક્સ (ONS)ના જણાવ્યા મુજબ, સ્વેબ્સના નવીનતમ વિશ્લેષણમાં ઈંગ્લેન્ડમાં 2 જૂને પૂરા થતા સપ્તાહમાં કોવિડ માટે પોઝીટીવ ટેસ્ટ કરનાર લોકોની સંખ્યા 797,500 અને નોર્ધર્ન આયર્લૅન્ડમાં 27,700 નોંધાઇ હતી. જે અગાઉના સપ્તાહમાં અનુક્રમે 784,100 અને 24,300 હતી. જ્યારે વેલ્સ અને સ્કોટલેન્ડમાં વલણ અસ્પષ્ટ રહ્યું છે. તાજેતરના મહિનાઓમાં ચેપમાં સતત ઘટાડો થયો હોય તેમ બની શકે છે. પરંતુ આ વધારો વધુ સંક્રમિત BA.4 અને BA.5 ઓમિક્રોન દ્વારા થયો હોય તેમ બની શકે છે.
પ્રથમ ઓમિક્રોન વેરિઅન્ટ, BA.1નો ગયા વર્ષે નવેમ્બરમાં ઉદભવ થોય હતો. જેણે વિશ્વભરમાં કોવિડના મોજાને વેગ આપ્યો હતો. આ સ્પ્રિંગમાં, BA.2 તરંગને વેગ મળ્યો હતો. જ્યારે BA.2નો ચેપનો દર ઘટી રહ્યો છે, પરંતુ તેના બે વધુ ટ્રાન્સમિસિબલ વંશજો BA.4 અને BA.5ના ચેપનો દર વધી રહ્યો છે.
પબ્લિક હેલ્થ ઓફિસર્સ ખાસ કરીને BA.5 વિશે ચિંતિત છે જે BA.4 કરતા વધુ ઝડપથી ફેલાય છે અને યુરોપમાં, ખાસ કરીને પોર્ટુગલ અને જર્મનીમાં કેસોમાં તાજા સ્પાઇક્સ માટે જવાબદાર છે.
લંડન, સાઉથ-ઇસ્ટ અને નોર્થ વેસ્ટ ઇંગ્લેન્ડમાં કોરોનાવાઇરસ માટે પોઝીટીવ ટેસ્ટ કરનારા લોકોની ટકાવારી વધી છે, પરંતુ ઇસ્ટ મિડલેન્ડ્સ, યોર્કશાયર અને હમ્બરમાં ઘટાડો થયો છે. 35 થી 49 વર્ષની વયના લોકોમાં સ્પષ્ટ વધારો જોવા મળે છે. 85 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકોમાં હોસ્પિટલમાં પ્રવેશ સૌથી વધુ છે.
ઇંગ્લેન્ડમાં 9 જૂનના રોજ 4,082 દર્દીઓને કોવિડ હતો – જે પાછલા સપ્તાહની સરખામણીએ 6% વધારે છે. સ્કોટલેન્ડમાં, 5 જૂનના રોજ 637 કેસ નોંધાયા હતા, જે સપ્તાહ-દર-સપ્તાહ 8% નો વધારો દર્શાવે છે.
ઇંગ્લેન્ડમાં અંદાજિત 70 લોકોમાંથી એકને કોવિડનો ચેપ હતો. સ્કોટલેન્ડમાં 40 માંથી એક અને વેલ્સમાં 75 માંથી એક વ્યક્તિને કોવિડ પોઝીટીવ હતો. 50થી 69 અને 70થી વધુ વયના લોકોમાં કોવિડ ચેપની ટકાવારી ઘટી છે.
લીડ્ઝ યુનિવર્સિટીના વાઇરોલોજિસ્ટ ડૉ. સ્ટીફન ગ્રિફિને જણાવ્યું હતું કે, “કોવિડ હોસ્પિટલમાં દાખલ થવામાં તાજેતરમાં વધારો એ એક ખાસ ચિંતા છે. આ ફક્ત મોટી સંખ્યામાં ચેપ દ્વારા સંચાલિત થઈ શકે છે, પરંતુ નવા ઓમિક્રોન પ્રકારોમાં પરિવર્તન પણ ભૂમિકા ભજવી શકે છે. શાળાઓમાં પરિસ્થિતિ અંગે ચિંતા રહે છે. કારણ કે 12 વર્ષથી ઓછી ઉંમરના 10% થી ઓછા બાળકોને રસી આપવામાં આવી છે. શાળાઓમાં રક્ષણની અછતને જોતાં, બાળકો અને સ્ટાફમાં વધુ ચેપ થવાની સંભાવના છે”