કોરોનાવાયરસ સંક્ષીપ્ત સમાચાર

0
620

હાથ ધોયા પછી સારી રીતે સૂકવવા પણ જરૂરી

કોરોનાવાયરસના રોગથી બચવા હાથ સારી રીતે ધોવાય તે તો જરૂરી છે જ સાથે સાથે તેને સારી રીતે સૂકવવામાં આવે તે પણ જરૂરી છે. 20-સેકન્ડ સારી રીતે સ્ક્રબ્સ કરીને ધોવામાં આવેલા હાથ હોટ-એર મશીનનો ઉપયોગ કરીને કે પછી કપડાના નેપકીનથી લુછવામાં આવે તો અગાઉ તેનો ઉપયોગ કરનાર વ્યક્તિના સૂક્ષ્મજંતુઓ વડે આપણી ત્વચાને ફરીથી ચેપ લાગે તેવી સંભાવના વધારે છે અને તેને ટાળવું જોઈએ એમ ચેપ નિવારણના પ્રોફેસર જ્હોન ગેમને જણાવ્યુ હતુ.

હાથ ધોયા પછી કોરા કરવાની શ્રેષ્ઠ, અસરકારક અને આરોગ્યપ્રદ પદ્ધતિ પેપર ટીસ્યુ / નેપકીન વડે હાથ લુછવાની અને પછી તેને ફેંકી દેવાની છે. પેપર ટીસ્યુના બદલે ફરીથી વાપરી શકાય તેવા કપડાના નેપકીન ચાલે પણ ઘરમાં જો કોઇ બીમાર હોય કે ક્યુરેન્ટિનેટેડ હોય તો તેમને માટે વ્યક્તિગત ટુવાલનો ઉપયોગ થવો જોઈએ અને અલગથી ધોવાય તે જરૂરી છે.

આલ્કોહોલ આધારિત હેન્ડ સેનિટાઇસર્સનો વધારે પડતો ઉપયોગ કરવાથી ત્વચામાં તિરાડ પડે કે હાથની ત્વચા રૂક્ષ થઈ શકે છે. સમય જતાં તે ચીરાના કારણે ચેપ લાગી શકે છે.

અશ્વેત અને લઘુમતી વંશીય લોકોને કોરોનાવાયરસ બીમારીનું જોખમ વધુ

અશ્વેત અને લઘુમતી વંશીય પૃષ્ઠભૂમિના લોકોમાં કોરોનાવાયરસની બીમારીનું જોખમ વધારે હોઈ શકે છે તેમ ઇન્ટેન્સિવ કેર નેશનલ ઑડિટ એન્ડ રિસર્ચ સેન્ટરના અહેવાલમાં જાણવા મળ્યું છે. કોવિડ-19થી ગંભીર રીતે બીમાર પડનારા લોકોમાંથી ત્રીજા ભાગના લોકો શ્યામ, એશિયન અથવા લઘુમતી વંશીય (BAME) બેકગ્રાઉન્ડના હતા. આ સમુદાયો યુકેની લગભગ 13 ટકા વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે.

લેસ્ટર યુનિવર્સિટીના પ્રાઈમરી કેર ડાયાબિટીસ અને વાસ્ક્યુલર મેડિસિનના પ્રોફેસર કમલેશ ખુંટીએ જણાવ્યું હતું કે “અહેવાલોના આધારે અમને આ મુદ્દા બાબતે ચિંતા છે અને હવે આ ડેટા આપણને તેના સંદર્ભમાં સંકેત બતાવી રહ્યા છે. આ સિગ્નલ છે, પરંતુ અમને હવે વધુ ડેટાની જરૂર છે.”

કોરોનાવાયરસના કારણે કેરહોમના પંદર પેન્શનરોના મૃત્યુ

લૂટનમાં કાસલટ્રોય રેસિડેન્સિયલ કેર હોમમાં કોરોનાવાયરસનો ચેપ ફેલાયા બાદ પંદર વૃદ્ધ રહેવાસીઓનાં મોત નીપજ્યાં છે. ગુજરી ગયેલા પૈકી પાંચ જણામાં શ્વસન રોગ માટેનો ટેસ્ટ પોઝીટીવ જણાયો હતો. નર્સિંગ અથવા કેરની સુવીધા આપતા આ કેરહોમમાં વૃદ્ધ લોકો માટે 69 બેડની સવલત છે. પબ્લિક હેલ્થ ઇંગ્લેંડ (પીએચઇ) ઇસ્ટના સલાહકાર સુલતાન સલીમીએ જણાવ્યું હતું કે નિષ્ણાતો વાયરસના ફેલાવાને રોકવા માટે સલાહ આપી રહ્યા છે અને કેર હોમના ધિકારીઓ સાથે નજીકથી કામ કરી રહ્યા છે.

કેર હોમના સંચાલકોએ જણાવ્યું હતું તે ‘’અમે આ દુ:ખદ સમયે મરનાર લોકોના કુટુંબીજનો અને મિત્રોને સંવેદના પાઠવીએ છીએ. તેઓ પણ અમારા કુટુંબી હતા. સ્ટાફે અમારા રહેવાસીઓ, પોતાને અને તેમના પરિવારોને બચાવવા માટે ખૂબ જ મહેનત કરી છે. અમારા નિવાસીઓને જરૂરી સંભાળ અને સહાય આપવાનું અમે ચાલુ રાખ્યું છે. અમે વધારાની સાવચેતીઓને અનુસરીએ છીએ અને જ્યાં સુધી અમે સક્ષમ હતા ત્યાં સુધી તમામ વિશેષ માર્ગદર્શનનું પાલન કર્યું છે.

બીબીસીના જણાવ્યા અનુસાર ઇસ્ટ લંડન કેર હોમના સાત રહેવાસીઓ કોરોનાવાયરસથી મૃત્યુ પામ્યા છે, જ્યારે સ્ટેપનીમાં હાઉથોર્ન ગ્રીન કેર હોમમાં અન્ય 21 લોકો કોરોનાવાયરસના લક્ષણો દર્શાવે છે, જ્યા 48 લોકો રહે છે. ગ્લાસગોના ક્રેનહિલમાં એક કેર હોમમાં 12 લોકોના અને સ્કોટલેન્ડના ડમ્બાર્ટનમાં એક અન્ય કેર હોમમાં આઠ લોકોનાં મોત થયાં હતાં.