જર્મનીના બાવેરિયન આલ્પ્સમાં 26-28 જૂને યોજાયેલા G-7 દેશોના શિખર સંમેલનમાં ભારતને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. યુક્રેન યુદ્ધ વચ્ચે વિશ્વના સૌથી ધનિક દેશોના ગ્રુપની આ શિખર બેઠકમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જર્મનીના ચાન્સેલર ઓલાફ સોલ્જે આવકાર આપ્યો હતો. મોદી અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડેન, ફ્રાન્સના પ્રેસિડન્ટ એમેન્યુઅલ મેક્રોન અને કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોને સહિતના નેતાઓને મળ્યા હતા.શિખર સંમેલનમાં બાઇડન અને મોદી વચ્ચેની મુલાકાતનો વીડિયો વાઇરલ થયો હતો. તેમાં દેખાય છે કે વડાપ્રધાન મોદી કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો સાથે વાતચીત કરવામાં વ્યસ્ત હતા, ત્યારે અમેરિકાના પ્રેસિડેન્ટ બાઈડેને ચાલીને આવી પાછળથી મોદીના ખભા પર હાથ મૂકી તેમનું ધ્યાન ખેંચ્યું હતું. યુક્રેન યુદ્ધમાં ભારતે તટસ્થ વલણ અપનાવ્યું હોવા છતાં આ મુલાકાત વિશ્વમાં ભારતના વધી રહેલા કદનું એક શાનદાર ઉદાહરણ મનાય છે.
વડાપ્રધાન મોદીએ જર્મનીના મ્યુનિકમાં ઇન્ડિયન કમ્યુનિટીને સંબોધન કરીને ભારતની વૃદ્ધિગાથા વર્ણવી હતી. આ ઉપરાંત જી-સેવન દેશોના વડાઓ સાથેની બેઠકમાં મોદીએ ભારતના ક્લિન એનર્જી ક્ષેત્રમાં રોકાણ કરવા આ ધનિક દેશોને આમંત્રણ આપ્યું હતું.
જી-સેવન દેશોએ રશિયાથી સોનાની આયાત પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો હતો અને યુદ્ધ ચાલુ રહે ત્યાં સુધી યુક્રેનને મદદ કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત ચીનના બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટ સામે G-7 દેશોએ $600 બિલિયન એકત્ર કરવાની સહમતી સાધી હતી.
ભારતમાં ક્લિન ટેકનોલોજી ક્ષેત્રે રોકાણ માટે G-7 દેશોને આમંત્રણઃ જી-સેવન દેશોની શિખર બેઠકમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે આ ધનિક દેશોને ભારતના ક્લિન ટેકનોલોજી સેક્ટરમાં રોકાણનું આમંત્રણ આપ્યું હતું. મોદીએ જણાવ્યું હતું કે પર્યાવરણ સુધારવાની જવાબદારી અંગે ભારતની પ્રતિબદ્ધતા તેની કામગીરીમાં દેખાય છે અને જી-7ના ધનિક દેશો પર્યાવરણમાં સુધારા માટે ભારતના પ્રયાસોને સમર્થન આપશે.
‘ઇન્વેસ્ટીંગ ઇન એ બેટર ફ્યુચર-ક્લાયમેટ, એનર્જી, હેલ્થ’ અંગેના સંમેલનમાં મોદીએ ભારતના ટ્રેક રેકોર્ડ અંગે માહિતી આપતા કહ્યું હતું કે, ભારતે નોન ફોસિલ સંસાધનોમાંથી 40 ટકા એનર્જી કેપેસિટી તેના નિર્ધારિત સમય કરતા 9 વર્ષ અગાઉ હાંસલ કરી લીધી છે. પેટ્રોલોમાં ઈથેનોલ-બ્લેન્ડિંગનું 10 ટકાનું ટાર્ગેટ સમય કરતા વહેલું ભારતે હાંસલ કર્યું છે. ભારત પાસે વિશ્વનું સંપૂર્ણ પણે સોલાર પાવર ઓપરેટેડ એરપોર્ટ છે. ભારતની રેલવે સિસ્ટમ આ દાયકામાં નેટથી સુસજ્જ થઇ જશે. G-7 દેશો આ ક્ષેત્રમાં રીસર્ચ, નવિનીકરણ અને મેન્યુફેક્ચુરીંગ ક્ષેત્રે રોકાણ કરી શકે છે તેમ જણાવતા મોદીએ ઉમેર્યું હતું કે, ભારતમાં વિશ્વની 17 ટકા વસતી રહે છે, તેની સામે વૈશ્વિક કાર્બન ઉત્સર્જન – પ્રદૂષણમાં તેનો ફાળો માત્ર 5 ટકા છે.