યુ.કે.ના સાંસદોએ કોરોના મહામારી અને તેને નિવારવામાં સરકારની કામગીરી અંગે રજૂ કરેલા અહેવાલમાં જણાવ્યું છે કે, કોરોના અટકાવવામાં થયેલો વિલંબ સૌથી ખરાબ જનઆરોગ્ય નિષ્ફળતા હતી. કોરોનાની સ્થિતિનો સામનો કરવા અને ચેપ દ્વારા હર્ડ ઇમ્યુનિટી હાંસલ કરવા જતા પ્રથમ લોકડાઉન જાહેર કરવામાં મોડું થયું હતું. એના કારણે પહેલો લોકડાઉન અમલમાં મુકવામાં વિલંબ થયો હતો અને તેના પગલે સંભવત્ હજ્જારો લોકોના મોત નિપજયા હતા. સમિતિએ વેક્સિનના સંશોધન અને વિકાસના સમગ્ર અભિગમને તેમજ લોકોને વેક્સિન આપવાના સમગ્ર કાર્યક્રમને એક મોડી સફળતા પણ ગણાવી હતી.
બધા જ પક્ષોના સાંસદોનો સમાવેશ ધરાવતી સમિતિના અહેવાલમાં રસીના વિકાસ અને રસીકરણ ઝુંબેશને યુ.કે.ના ઇતિહાસની સૌથી વધારે અસરકારક પહેલ પણ ગણાવાઇ હતી. તમામ પક્ષોના સાંસદોનું પ્રતિનિધિત્ત્વ ધરાવતી સમિતિના 150 પાનાના ‘કોરોના વાઇરસઃ લેસન્સ લર્ન્ડ’ અહેવાલમાં વેલ્સ, સ્કોટલેન્ડ તથા ઉત્તર આયર્લેન્ડમાં ભરાયેલા પગલાંની નોંધ નથી લેવાઇ.
તપાસ સમિતિઓના અધ્યક્ષો જેરેમી હન્ટ અને ગ્રેગ કલાર્કે જણાવ્યું હતું કે, મહામારીમાં બધું જ સારું થવું અશક્ય હતું. યુ.કે. એ કેટલીક મોટી ભૂલો અને કેટલીક સિદ્ધિઓ હાંસલ કરી છે અને આપણે આ બંનેમાંથી શીખવાનું છે. સરકારી પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ઘણા બધા પદાર્થપાઠ શીખવાના હોઇ આગામી વર્ષે પૂર્ણતયા જાહેર તપાસ યોજાશે. લેબર પાર્ટીના શેડો હેલ્થ સેક્રેટરી જોનાથને ઘણી યાદગાર ભૂલો થયાનું અહેવાલના માધ્યમથી જણાવ્યું હતું.
ચીન, ઇટાલીના પુરાવા છતાં ઇલાજ વિના મહામારીને વકરવા દેવાઇ હતી. જો કે જેરેમી હન્ટે તમામ વસતીને ચેપની લાગવા દેવાની ઇચ્છા, આશંકા નકારી કાઢી હતી.