કૉવેન્ટ્રીના મિલિયોનેર લોકોના વિસ્તાર કેનિલવર્થ રોડ પરના લક્ઝરી મેન્શનમાં રહેતા 87 વર્ષના સેવા સિંઘ અને 73 વર્ષના તેમના પત્ની સુખજીત કૌર બદીયાલ નામના વૃધ્ધ દંપતીના મૃતદેહ મંગળવાર, 29 જૂનના રોજ મળી આવતા ચકચાર મચી ગઇ હતી. જો કે પોલીસને આ અંગે કોઇ પર શંકા ન હોવાનું જણાવી તપાસ આદરી છે. શ્રી સેવા બદીયાલે એશિયન કાપડના બિઝનેસમાં કાઠું કાઢ્યુ હતું અને હેન્ડ્સવર્થમાં સોહો રોડ પર ઘણા લાંબા સમયથી બદિયાલ ડિપાર્ટમેન્ટ સ્ટોર ચલાવતા હતા.
વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસે જણાવ્યું હતું કે સેવા સિંઘની લાશ ઘરના પાછળના બગીચામાંથી મળી આવી હતી, જ્યારે સુખજીતની લાશ ઘરની અંદરથી મળી આવી હતી. બનાવની જાણ થતાં જ પોલીસ અધિકારીઓ, ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ કાફલો ઘટના સ્થળે ધસી ગયો હતો. પોલીસ અને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ નિષ્ણાંતોએ તપાસ આદરી છે અને તેના પરિણામો આવ્યા બાદ જ તેમના મોતનું સાચું કારણ જાણવા મળશે. પોલીસે ઘરને કોર્ડન કરી પૂછપરછ ચાલુ કરી જુલાઈના રોજ ઘરને સીલ કર્યું હતું.
એક પાડોશીએ ડેઇલી મેઇલને કહ્યું હતું કે ‘તેઓ સુંદર લોકો હતા અને હું ઘણી વાર તે મહિલા સાથે વાત કરતી હતી. તેઓ ખૂબ સરસ અને ખૂબ જ સુખદ પરિવાર હતો. તેઓ જીવનનિર્વાહ માટે શું કરતા હતા તેની ખબર નથી પણ તેઓ ખૂબ જ સુખી હતા અને તેમના ઘરમાં સ્વિમિંગ પૂલ પણ હતો.’
માનવામાં આવે છે કે આ દંપતી બર્મિંગહામના હેન્ડ્સવર્થમાં સોહો રોડ પર લાંબા સમયથી બદિયાલ ડિપાર્ટમેન્ટ સ્ટોર ધરાવતું હતું. તેઓ મહિલાઓ, પુરૂષો અને બાળકો માટે ઉચ્ચ ગુણવત્તાના પારંપરિક ફેશન અને લગ્ન માટેના કપડાં વેચતા હતા. તેઓ જ્યાં રહેતા હતા તે કેનીલવર્થ રોડ પર કોવેન્ટ્રીના સૌથી ખર્ચાળ, ગેટેડ સિક્યુરીટી ધરાવતા અને વિશાળ ડ્રાઇવ વે ધરાવતા ઘરો આવેલા છે.
મૃત્યુ પામેલા દંપતીના પરિવારે કહ્યું હતું કે તેઓ નજીકના ભવિષ્યમાં એક સર્વિસનું આયોજન કરનાર છે જેથી કુટુંબીજનો અને મિત્રો તેમના જીવનની ઉજવણી કરી શકે.
“પ્રિય” માતાપિતાને શ્રદ્ધાંજલિ આપતા તેમનાં પરિવારે જણાવ્યું હતું કે તેઓ “સારા હેતુઓના સમર્થક હતા અને સ્થાનિક મિડલેન્ડ સમુદાયના પ્રતિબદ્ધ સભ્યો હતા. તેમણે ભારતમાં વંચિત છોકરીઓ માટે ઘણી શાળાઓ – કોલેજો અને અને ગ્રામીણ હોસ્પિટલોની સ્થાપના કરી હતી. અમારા માતાપિતાને શ્રદ્ધાંજલિ આપતા સંદેશાઓથી તેઓ અભિભૂત થઇ ગયા છીએ. અમે આ નિધન અંગે ગોપનીયતા જાળવવા સૌને વિનંતી કરીએ છીએ.’’
દંપતીને ચાર સંતાનો અને સાત પૌત્ર-પૈત્રીઓ છે. પરિવાર તપાસ – પૂછપરછ માટે વેસ્ટ મિડલેન્ડ પોલીસનો આભાર માન્યો હતો.