કોરોનાવાયરસને પગલે યુરોપિયન શેર ગગડ્યા
પાંચ દિવસની તેજી બાદ કોરોનાવાયરસ રોગચાળાથી કારોબારને નુકસાન થતા યુરોપિયન શેરમાં તા. 15ના રોજ નીચી સપાટી જોવા મળી હતી. એનર્જી શેર્સ તેલની માંગમાં ઘટાડો થતા નીચે ઉતરી ગયા હતા. એસએ, રૉયલ ડચ શેલ પીએલસી અને બીપી પીએલસીના ભાવો ગગડ્યા હતા.
પાન-યુરોપિયન સ્ટોક્ષ 600 ઇન્ડેક્સ આશરે 8% જેટલો ઉતરીને 1.6% નીચા સ્તરે હતો. માર્ચ મહિનામાં આઠ વર્ષની નીચી સપાટીએ પહોંચેલો બેંચમાર્ક ઇન્ડેક્સ આશરે 22% સુધર્યો છે, પરંતુ તે હજી પણ તેની રેકોર્ડ ઉંચી સપાટીથી લગભગ 24% નીચે છે. વિશ્લેષકોએ ચેતવણી આપી છે કે કોરોનાવાયરસના મામલામાં વધારાથી બીજી વેચવાલી શરૂ થઈ શકે છે. કોરોનાવાયરસને કારણે ફ્રાન્સમાં 15,000થી વધુ લોકોના મોતને પગલે ફ્રેન્ચ શેર 1.8% ઘટ્યા હતા. બ્રિટનમાં લાંબા સમય સુધી લોકડાઉન રહે તેવી આગાહીને પગલે દેશનુ અર્થતંત્ર તેની 300 વર્ષની સૌથી ઉંડી મંદીનો સામનો કરી શકે છે.
મોટાભાગની કંપનીઓ પાસે રોગચાળા સામે રક્ષણ આપતો વીમો નથી
યુકેની મોટાભાગની નાની કંપનીઓ પાસે કોરોનાવાયરસ રોગચાળાને કારણે થતા વિક્ષેપ સામે રક્ષણ આપતો વીમો નથી એમ બ્રિટનની ફાઇનાન્સિયલ કન્ડક્ટ ઓથોરિટીએ બુધવારે જણાવ્યું હતું. વૉચડૉગે બેન્કોને એમ પણ કહ્યું હતું કે નાના વ્યવસાયોને આપેલુ તેમનુ ધિરાણ ન્યાયી છે તેની ખાતરી કરવા માટે તેઓએ જવાબદાર સિનિયર મેનેજરની નિયુક્તિ કરવી જોઈએ. બ્રિટન લોકડાઉનમાં છે ત્યારે ઘણી કંપનીઓના શટર પડેલા છે અને લાખો લોકોને ફર્લો પર મૂકાયા છે અને દેશ ઘેરી મંદી તરફ આગળ વધી રહ્યો છે.
ટકી રહેવા હવાતીયા મારતા બ્રિટનના કમ્યુનિટી પબ
વડા પ્રધાન બોરીસ જ્હોન્સને તમામ પબ અને રેસ્ટૉરન્ટ્સને કોરોનાવાયરસનો પ્રસાર ધીમો કરવા માટે બંધ કરવા આદેશ આપતા બ્રિટનના સંઘર્ષ કરતા પબ સેક્ટર માટે ટકી રહેવાની નવી તકલીફ ઉભી થઇ છે. એક દાયકાથી વધતા જતા ખર્ચ અને ગ્રાહકોની દારૂ બીયર પીવાની ટેવમાં ફેરફાર થતા પબ સેક્ટર ભારે અસરગ્રસ્ત છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં સતત પબ બંધ થવાના કારણે સ્થાનિક લોકો આવા પબ ખરીદવા અને ચલાવવા માટે ભેગા થાય છે.
બ્રિટનમાં આવા લગભગ 139 કોમ્યિનીટી પબ છે અને 39,000 ખાનગી કંપનીના પબ છે. કન્ઝ્યુમર ગ્રુપના વડા ટોમ સ્ટેનરે જણાવ્યું હતું કે “હાલની કટોકટી જેટલું લાંબું ચાલશે તેટલા વધુ પબ્સ અને ક્લબો બંધ થશે.” લોકડાઉનના કારણે બ્રિટનના પબના બેઝમેન્ટમાં સ્ટોર કરાયેલા લગભગ 50 મિલિયન પાઇન્ટ બિઅર, લેગર અને સાઇડર આઉટ ઓફ ડેટ થઇ જશે.
કોમ્યુનિટી પબમાં સામાન્ય રીતે 200 જેટલા શેરહોલ્ડરોની માલિકીની હોય છે, જે મોટે ભાગે સ્થાનિક લોકો હોય છે અને તેઓ મેનેજરો અથવા ભાડૂતો દ્વારા ચલાવાય છે જેમને સ્વયંસેવકોની સમિતિ મદદ કરે છે.
યુકેની નાની કંપનીઓએ 66 ટકા સ્ટાફને ફર્લો કર્યો છે
બ્રિટીશ ચેમ્બર્સ ઑફ કોમર્સ દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાં જણાયુ હતુ કે બ્રિટનની સરકારે કંપનીઓને તેમના કર્મચારીઓના પગાર ખર્ચના 80% ચૂકવવાનું વચન આપ્યા બાદ નાની કંપનીઓએ તેમના 66 ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢવાને બદલે રજા પર ઉતારી દીધા છે. જે યોજના દેશને 42 બિલીયન્સ પાઉન્ડ ખર્ચ કરાવશે.
પણ ઑફિસ ફોર બજેટ રિસ્પોન્સિબિલીટી (ઓબીઆર)નો અંદાજ હતો કે માત્ર 30% સ્ટાફ જ ફર્લો કરપવામાં આવશે. આ સહાય સાથે પણ બેરોજગારી આગામી મહિનાઓમાં લગભગ 2 મિલિયન જેટલી વધી શકે છે. જે કંપનીઓએ તેમના કર્મચારીઓના પોણા ભાગના સ્ટાફને ફર્લો કર્યા હતા તેમના શેરના ભાવમાં 31%નો ઘટાડો થયો હતો. સુનકે જણાવ્યું હતું કે કંપનીઓ ફર્લો ફંડ માટે આવતા અઠવાડિયે અરજી કરશે તો મહિનાના અંત સુધીમાં તેમને નાણાં પ્રાપ્ત થશે. સરકારની બાંહેધરીવાળી લોનને મંજૂરી આપવામાં બેંકો ઝડપ કરી રહી છે.