બ્રેડફર્ડના પાકિસ્તાની સમુદાયમાં પિતરાઈ ભાઈ-બહેનના લગ્નની સંખ્યામાં છેલ્લા 10 વર્ષમાં તીવ્ર ઘટાડો થયો છે. ઉચ્ચ શિક્ષણ, નવી કૌટુંબિક પરિસ્થિતી અને ઇમિગ્રેશન નિયમોમાં થયેલા ફેરફારો આ માટે જવાબદાર હોવાનું માનવામાં આવે છે.
દસ વર્ષ પહેલાં બ્રેડફર્ડમાં 30,000થી વધુ લોકોના આરોગ્યનો અભ્યાસ કરનારા સંશોધકોને જણાયું હતું કે પાકિસ્તાની સમુદાયમાં લગભગ 60 ટકા બાળકોના માતાપિતા પિતરાઈ ભાઈ-બહેન હતા. પરંતુ શહેરના ત્રણ વોર્ડમાં થયેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આ આંકડો ઘટીને હવે 46 ટકા થયો છે. એ લેવલથી વધુ ભણેલા લોકોમાં આ પ્રમાણ હવે 46 ટકાથી ઘટીને 38 ટકા થઈ ગયું છે.
પિતરાઈ સાથેના લગ્નથી જન્મજાત ખામીઓનું જોખમ લગભગ બમણું થઈ જાય છે. 2021ની વસ્તી ગણતરી મુજબ બ્રેડફર્ડના લગભગ 25 ટકા લોકો મૂળ પાકિસ્તાની છે અને પાકિસ્તાની કબ્જા હેઠળના કાશ્મીરમાં પિતરાઈ ભાઇ-બહેનના લગ્નની પ્રથા વ્યાપક છે. સમુદાયના સભ્યો કહે છે કે આ પરંપરાને લઈને પેઢીઓ વચ્ચે તણાવ રહ્યો છે.