વૃદ્ધ માતાપિતાની સારસંભાળ રાખવાની ફરજ તેમના સંતાનોની છે, તેવો ચુકાદો આપતા દિલ્હી હાઇકોર્ટે એવું પણ અવલોકન કર્યું હતું કે છૂટાછેડા લીધેલ બહેનને દુઃખના સમયે નાણાકીય મદદની જરૂર હોય ત્યારે તેનો ભાઈ મુકપ્રેક્ષક બની શકે નહીં.
પૂર્વ પતિની છૂટાછેડા લીધેલી બહેને આશ્રિત ગણી શકાય નહીં તેવી એક મહિલાની દલીલને મેરિટ વગરની ગણાવીને કોર્ટે આ અવલોકન કર્યું હતું. આ કેસની વિગત એવી છે કે એક મહિલાએ તેના પૂર્વ પતિ પાસેથી ભરપોષણની રકમમાં વધારો કરવાની કોર્ટમાં માગણી કરી હતી. આ મહિલાના પૂર્વ પતિએ કોર્ટમાં જણાવ્યું હતું કે તેના આશ્રિતોમાં વૃદ્ધ પિતા, છૂટાછેડા લીધેલી બહેન, પત્ની અને પુત્રી છે, તેથી ભરણપોષણની રકમમાં વધારો કરી શકાય નહીં.
વધુ ભરપોષણની માગણી કરતી મહિલાએ દલીલ કરી હતી કે તેના પૂર્વ પતિની છૂટાછેડા લીધેલી બહેનને આશ્રિત ગણી શકાય નહીં.
હાઇકોર્ટે જણાવ્યું હતું કે આ મહિલાની દલીલ મેરિટ વગરની છે, કારણ કે ભાઇબેન અને તેમના આશ્રિત વચ્ચેના સંબંધો એકબીજા પ્રત્યે હંમેશા નાણાકીય ન પણ હોય, પરંતુ એવી અપેક્ષા હોય છે કે ભાઇ કે બહેન જરૂરિયાતના સમયે એકબીજાને તરછોડી શકે નહીં. ભારતીય સંસ્કૃતિ કુટુંબના સભ્યો વચ્ચે એકતાની હિમાયત કરે છે. કુટુંબના સભ્યો વચ્ચેની સહિયારી લાગણીથી સંબંધો બને છે અને કુટુંબના સભ્યો એકબીજા માટે સૌથી મજબૂત સમર્થન પ્રણાલી છે.
કોર્ટે જણાવ્યું હતું કે ખાસ કરીને એક ભાઇ અને એક બહેન વચ્ચેના સંબંધોમાં એકબીજા પ્રત્યે કાળજીની ઊંડી ભાવના હોય છે. ભારતના તહેવારો અને પરંપરા બાળકો વચ્ચે એકબીજા પ્રત્યેની લાગણી અને જવાબદારીને પુષ્ટી આપે છે. કોર્ટે અવલોકન કર્યું હતું કે આ બહેનને તેની પૂર્વ પતિ પાસેથી ભરપોષણ મળે છે, પરંતુ તેને મદદની જરૂર હોય ત્યારે ભાઇ તેના દુઃખના સમયે મૂકપ્રેક્ષક બની શકે નહીં.